મહેમાન છે. એ અનુમાનને કારણે તો આડા પડીને આરામ કરતા સિપાઈઓએ આ અસવારને સલામો પણ ભરી દીધી.
પણ અસવારની પાછળ પાછળ એક ઘોડાગાડી પણ દાખલ થઈ અને એ આખો રસાલો દરબારગઢની દિશામાં વળવાને બદલે આહીરવાડા તરફ વળ્યો, ત્યારે સિપાઈઓને નવાઈ લાગી.
ગઢની રાંગેથી નેળમાં વળીને ઘોડેસવાર એભલ આહીરની ડેલીએ આવી ઊભો. પાછળ ગાડી પણ આવી.
આજે ઓતમચંદને ડેલીની સાંકળ ખખડાવવાની જરૂ૨ નહોતી. ડેલીનાં બારણાં ઉઘાડાં જ હતાં ને આંગણમાં મોટો માંડવો બાંધેલો હતો. માંડવા તળે ખાટલાઓ ઢાળી ઢાળીને કદાવર આહીરો હુક્કા ગગડાવતા બેઠા હતા, એ આ ઉજળિયાત અસવારને જોઈને ઊભા થઈ ગયા.
ઘોડીના ડાબલા, ને આંગણામાં થોભતી વેળાની હણહણાટી સાંભળીને અંદરના વાડામાંથી હીરબાઈ બહાર દોડી આવ્યાં ને અસવા૨ને જોતાં જ બોલી ઊઠ્યાં:
‘આવ્યો મારો વી૨! સમેસ૨ આવી પૂગ્યો!’
ઓતમચંદ ઘોડી ઉપરથી નીચે ઊતર્યો કે તરત હીરબાઈએ દુખણાં લેતાં લેતાં કહ્યું, ‘સારું થયું, અવસર ઉપર આવી પૂગ્યા ભાઈ! મામા વિના મારો બીજલ અણોહરો લાગતો’તો–’
ઓતમચંદે પાછળ આવેલી ઘોડાગાડી તરફ આંગળી ચીંધીને કહ્યું કે બટુક અને બટુકની બા પણ સાથે આવ્યાં છે, ત્યારે તો હીરબાઈ હરખઘેલી થઈ ગઈ. એણે એભલને કહ્યું, ‘ભાઈ તો મારી ભુજાઈનેય તેડતા આવ્યા છે! ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય!’
લાડકોર બટુકને લઈને ગાડીમાંથી ઊતરી એટલે પતિએ એને આ અજાણ્યાં માણસોની ઓળખાણ આ રીતે આપી:
‘દકુભાઈએ તમારો ચૂડલો ભાંગવા જેવું કામ કર્યું ને આ