ઘોડાગાડી મંગાવેલી અને લાડકોરે ‘ગાડી તો અમારા બટુક સારુ ધારી છે, તારા સારુ નહીં.’ એમ કહેવડાવ્યું ત્યારે સમરથની માખી છીંકાઈ ગયેલી અને આ ઘોર અપમાન બદલ બરોબર બે મહિના સુધી નણંદ સાથે અબોલા રાખેલા.
આજે સવારમાં પણ સમરથ શેઠાણી આવી જ એક ભિક્ષા કાજે ઓતમચંદને આંગણે આવેલાં. આવતાંવેંત જ એણે લાડકોર સમક્ષ પોતાની માગણી ૨જૂ કરેલી:
‘તમારી મોહનમાળા આજનો દી પહેરવા આપોની.’
‘કેમ ભલા ?’ લાડકોરે પૂછેલું.
‘મારી ડોક અડવી છે.’
‘મંગળ-સાંકળી છે ને ?’
‘દોરા જેવી સાંકળી તો દીઠામાંય ન આવે.’
‘દીઠામાં ન આવે તો દેખાડવાની એવી શું જરૂ૨ છે ?’
‘આટલાં બધાં મહેમાનોની વચ્ચે હું ભૂંડી ન લાગું ?’
‘જેવાં હોઈએ એવાં લાગીએ એમાં શરમાવાનું શું ભલા ?’ લાડકોરે પૂછ્યું. અને પછી નાદાન ભોજાઈને શિખામણ આપી: ‘ફાટ્યે લૂગડે અને દૂબળે માવતરે શરમાઈએ નહીં, સમજી ?’
નણંદનાં આવાં શિખામણસૂત્રો કાને ધરવાની સમરથની તૈયારી નહોતી. એ વરણાગીને તો બસ, પહેરી-ઓઢીને મહાલવાનું જ મન હતું. એથી જ એણે મોહનમાળાની માગણીના સમર્થનમાં વિચિત્ર દલીલ કરી:
‘તમારી પાસે એક મોહનમાળા વધારાની છે એટલે માગવા આવી છું.’
‘વધારાનું હોય એટલું બધુંય કોઈને આપવા સારુ ન હોય, સમજી ?’
પણ સમરથ એમ સમજી જાય એવી સમજુ નહોતી. એણે તો વધારે વિચિત્ર દલીલ કરી: