વહેમાતી જતી હતી. આખરે આવા અસ્પષ્ટ ઉત્તરોથી કંટાળીને એણે બોલી નાખ્યું: ‘તમે તો મીંઢા જ રહ્યા! સગી પરણેતરનેય સાચી વાત નથી કહેતા!’
‘સાચી વાત હું શું કહું?’ ઓતમચંદે ફરીથી દ્વિઅર્થી ઉત્તર આપ્યો, ‘સાચું જે કાંઈ હશે એ બધું વાજતુંગાજતું માંડવે આવશે—’
અને સાચે જ, રાતે વાળુપાણી પતી ગયા પછી એભલ આહીરને માંડવે એક અજાણ્યા માણસનો અવાજ ગાજી ઊઠ્યો: ‘ઓતમચંદભાઈ છે ઘરમાં?’
‘કોણ?’ અંદરની ઓસરીમાંથી ઓતમચંદે ઊઠતાં ઊઠતાં પૂછ્યું.
‘હું કીલો!... કીલો કાંગસીવાળો!’ બહારથી ઉત્તર આવ્યો.
‘અરે! તમે હવે કાંગસીવાળા શેના કહેવાવ?’ ઓતમચંદે કહ્યું, ‘તમે તો હવે કામદાર ને શિરસ્તેદાર થઈ ગયા છો!’ ભેટી રહ્યા પછી કીલો બોલ્યો:
‘આ મારી અડીખમ કાયા આડે તમારો નાનો ભાઈ ઢંકાઈ ગયો છે એના તરફ નજ૨ કરો!’
‘બટુકે અમને વાવડ આપી દીધા’તા, કે નરોત્તમકાકા આવ્યા છે!’
‘નરોત્તમકાકા કે પરભુલાલકાકા?’ કીલાએ વ્યંગમાં કહ્યું, ‘આજે અમને બધેય ઠેકાણેથી ખોટું જ નામ સાંભળવા મળે છે.’
‘બધેયથી?’
‘હા. અમે મનસુખભાઈ ભેગા વેપારને નાતે એની ભાણીનાં લગનમાં અહીં આવ્યા છીએ. પણ કપૂરશેઠ તો આને જોતાંવેંત જ બોલ્યા કે આ તો પરભુલાલ નહીં, પણ નરોત્તમ છે,’ કીલાએ કહ્યું: ‘મને તો આ ગોટાળામાં કાંઈ સમજ નથી પડતી!’
‘ગોટાળો થઈ ગયો છે, તો હવે પૂરો જ કરો!’
‘પણ આ ગોટાળો તો અમને આકરો પડી જાય એમ છે. આ પરભુલાલને તો કપૂરશેઠ પોતાની છોકરી હારે પરણાવી દેવાની