વાત લઈને બેઠા છે!’
‘કઈ છોકરી?’ ઓતમચંદે પૂછ્યું.
‘ચંપા. બીજી કઈ?’ કીલાએ કહ્યું, ‘કપૂરશેઠ તો એક જ વાત લઈને બેઠા છે કે આ પરભુલાલ નહીં પણ નરોત્તમ જ છે. કહે છે કે આ તો અમારા જૂના જમાઈ છે ને એને ફરીથી અમારા જમાઈ બનાવવા છે ’
‘બહુ ક૨ી કપૂરશેઠે તો!’
ઓતમચંદ હજી લાપરવાહીથી જ બોલતો હતો.
‘ક૨વામાં તે કાંઈ બાકી રાખી છે!’ કીલો બોલ્યો, ‘હું તો સમજાવી સમજાવીને થાક્યો કે આ જણ નરોત્તમ નહીં પણ પરભુલાલ છે, પણ કેમેય કરીને માનતા જ નથી —’
‘ભારે કઠણાઈ ઊભી કરી!’
‘કઠણાઈ તે કાંઈ જેવીતેવી! અમે તો મનસુખભાઈ સિવાય બીજા કોઈને ઓળખીએ નહીં. એમાંથી કપૂરશેઠ ઓળખાણ કાઢી પડ્યા! કહે, કે આ તો મારા જમાઈરાજ નરોત્તમ જ. બીજા કોઈ નહીં! જૂનું સગપણ તૂટી ગયું છે, પણ હવે ફરીથી સાંધી દિયો!’ કીલાએ ગંભી૨ભાવે કહ્યું, ‘ઓતમચંદભાઈ, અમને તો નમાઝ પઢતાં મસીદ કોટે વળગ્યા જેવું થઈ ગયું છે!’
‘થાવા દિયો! એ જ લાગના છો!’
‘કોણ? અમે?’
‘ના, ના, તમે, નહીં; કપૂરશેઠ—’
‘તો ઠીક. બિચારા જીવ અમને હાથેપગે પડીને કરગરી રહ્યા કે માફ કરજો, અમે તમને ઓળખ્યા નહીં—’
‘માણસની સાચી ઓળખ કરવી બહુ આકરી છે, કીલાભાઈ.’
‘પણ આ તો ઓળખ થઈ એમાં અમારા પરભુલાલ ઉપર આફત આવી પડી એનું શું? કપૂરશેઠ કહે છે કે તમે તો ભગવાનના મોકલ્યા