વચ્ચે સારી રકઝક ચાલી. પણ કપૂ૨શેઠે જ્યારે વરરાજાનાં પ્રત્યક્ષ દર્શન કરવાનો દુરાગ્રહ ચાલુ જ રાખ્યો ત્યારે દકુભાઈએ નછૂટકે માફો ઉઘાડ્યો ને બાલુને નીચે ઊતરવાનું કહ્યું.
ચાર જાનૈયા ગાડા પર ચડી ગયા અને જાણે કે લાશ હેઠી ઉતારતા હોય એ રીતે બાલુને હેઠો ઉતાર્યો. સો સો સમરાંગણોમાં જખમી થઈને આવેલા રાણા સંગ જેવા બાલુના દીદાર જોઈને કપૂરશેઠ ડઘાઈ ગયા. ઠંડે કલેજે બોલ્યા:
‘વ૨૨ાજાને આટલી બધી તકલીફ આપો મા. એને ફરી પાછા માફામાં બેસાડી દિયો—’
દકુભાઈએ ખુલાસો કર્યો: ‘કાલે હાલતાં હાલતાં પગ લપસી ગયો, એમાં આટલું બધું લાગી ગયું—’
‘હું જાણું છું, ઈશ્વરિયા ગામની ધરતી જ એવી લપસણી છે, એમાં વ૨૨ાજા બિચારા શું કરે? પગ આઘોપાછો પડી જ જાય—’
‘કોણીમાંથી હાડકું ઊતરી ગયું—’
‘ઊતરી જ જાય ને! કડીઆળી પડે પછી કોની કોણી સાજી રહે?’ કહીને કપૂ૨શેઠે છેવટનું સંભળાવી દીધું: ‘હવે તો મૂંગા મૂંગા મેપાણી મોર્ય ઈશ્વરિયા ભેગા થઈ જાવ ઝટ!’