બહેનપણીને ભૂલી તો નહીં જાય ને?’
‘તને કેમ કરીને ભૂલીશ, બેન?’ ચંપા કહેતી હતી, તેં તો પરભુલાલ શેઠને કાને મારું વેણ પહોંચાડ્યું—’
‘અલી, તું પણ એને પરભુલાલ શેઠ જ કહે છે કે શું?’
‘બીજું શું કહું? ઘરમાં સહુ એને એ જ નામે ઓળખે છે એમાં મારાથી સાચું નામ કેમ કરીને લેવાય?’
‘પણ અબઘડીએ એ આવી પહોંચશે. ને ઘરમાં સહુને એની સાચી ઓળખ થઈ જાશે, પછી શું કશું?’
‘મનેય એ જ ચિંતા થયા કરે છે... પછી શું કરશું?’ ચંપાએ કહ્યું.
‘તું ચિંતા કરવી રહેવા દે.’ શારદાએ હિંમત આપી, ‘હું બેઠી છું ને! એને અહીં આવવા તો દે! પછી એ તારા પરભુલાલ શેઠ છે, ને આ શારદા છે!’
‘તારા પરભુલાલ શેઠ એટલે શું?’
‘તારા એટલે તારા જ! બીજા કોઈના નહીં!’
‘પણ તુંય હજી એને પરભુલાલ શેઠ કહીને જ ઓળખીશ?’
‘ત્યારે બીજું શું કહું? સાચે નામે ઓળખવા જાઉં, ને ક્યાંક આડું વેતરાઈ બેસે તો?’
‘તું તો ભારે પહોંચેલ નીકળી, બેન!’
‘પહોંચ વિના આવાં પરાક્રમ થતાં હશે!’
જસીની હાજરીમાં શારદા જાણે કે પોતે ૫૨ભુલાલ નામના કોઈ માણસને ઓળખતી જ ન હોય એવો વર્તાવ કરતી. તેથી, ઓછી અકલની જસી પૂરેપૂરી ભ્રમમાં પડી ગયેલી. ચંપા માટે શોધાયેલા કોઈક અજાણ્યા પરભુલાલ કરતાં પોતાનો વ૨ બાલુ તો ક્યાંય ચડિયાતો છે, એવી શેખી પણ એ કર્યા કરતી. આમેય એ વારંવાર