પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અબોલા લઈને, લગનને આગલે દિવસે જ પાછી ચાલી ગયેલી... અને પછી, મુનીમે ભાઈબહેન વચ્ચે જામેલી ભયંક૨ જીભાજોડીનું વર્ણન ઝમકભરી શૈલીમાં કરી બતાવ્યું અને લાડકોરની વિદાય વેળાનાં દૃશ્યો તાદૃશ્ય કરી બતાવ્યાં ત્યારે તો સાંભળનારાંઓ અવાક થઈ ગયાં.

‘કોથળી કોઈએ ચોરી જ નહોતી?’ થોડી વારે કપૂરશેઠે પૂછ્યું.

‘ના, કોઈએ નહીં —’

‘તો પછી ઓતમચંદ શેઠનું નામ એમાં આવ્યું’તું એ?’ હવે મનસુખભાઈએ પૂછ્યું.

‘સાવ ખોટું. ઓતમચંદભાઈને તો તે દિવસે દકુભાઈએ અંદ૨ બોલાવવાને બદલે ઓસરીમાં જ બેસાડી રાખેલા એટલે એને અપમાન લાગેલું, ને મૂંગા મૂંગા બહાર નીકળી ગયેલા એટલે જ એના ઉપ૨ વહેમ આવેલો,’ મુનીમે કહ્યું, ‘ને વહેમમાં ને વહેમમાં દકુભાઈએ વાંસે પસાયતા દોડાવેલા ને બિચારા ઓતમચંદ શેઠને મારી મારીને લોથ કરી નાખેલા.’

સાંભળીને કપૂ૨શેઠ અને મનસુખલાલ બંને જણા ઊંડા વિચારમાં પડી ગયા. જે મુદ્દા ઉપ૨ ઓતમચંદને ચોર ગણીને એની સાથેનો સંબંધ તોડી નાખેલો, એ મુદ્દો જ આખો અસત્ય સાબિત થતાં એમની વિમાસણ વધી પડી. દકુભાઈ તો વહેમના વમળમાં અટવાઈને અવિચારી કૃત્ય આચરી બેઠેલા, પણ ચોરીના આરોપના સાવ અધ્ધર સમાચાર ઉપર આધાર રાખીને આપણે જે પગલું લીધેલું એનું ભયંકર વિપરીત પરિણામ નીપજ્યું છે, એનું એમને હવે ભાન થયું. પોતે હાથે કરીને જ, ચંપાનું લગ્નજીવન વેડફી નાખ્યું છે એની પ્રતીતિ થઈ. તેથી જ બગડી બાજી સુધારી લેવા માટે એમણે નરોત્તમ જોડે જ ચંપાના પુનર્વિવાહનો પ્રસ્તાવ મૂક્યો.

ભગવાને મોકલ્યા!
૪૪૭