આખરે પડકાર કર્યો જ. અને પછી, ઘણા દિવસની ભેગી થયેલી ખીજ પણ મોકો મળતાં ઠાલવી દીધી:
‘આ તો તૈયા૨ ગાદી પડી ગઈ છે એટલે તનકારા કરો છો. પરસેવો પાડીને પાંચ પૈસા પેદા કરો તો ખબર પડે !’
વાઘણ જેવી સમરથ આ પડકાર સાંભળીને સસલા જેવી શાંત થઈ ગઈ. હવે એની આંખમાંથી સાચાં આંસુ ખર્યાં.
લાડકોરે પણ લાગ જોઈને ઘણા દિવસનો મનનો ઊભરો ઠાલવી જ નાખ્યો:
‘આ તો ભૂખની છોકરી ભાઠમાં પડ્યા જેવું છે… ધણી બિચારો ઢેફાં ભાંગે ને બાઈને મેલાતની સાહ્યબી જોઈએ…’
સમરથ સમસમી રહી હતી. હવે બોલવાનો વારો ભોજાઈનો હતો:
‘તમારો દીધો રોટલો ખાઈએ છીએ એટલે જ આવાં મેણાંટોણા સાંભળવાં પડે છે ને !…
‘તો હવે તમારો પોતાનો રોટલો ખાઈ જુઓ તો ખબર પડે કે કેટલી વીસે સો થાય છે.’
સમરથે પડકાર ઉપાડી લીધો:
‘તો આજથી હવે તમારા ઘરના ગોળાનું પાણી હરામ… અમારું ભાગ્ય કાંઈ વેચી નથી ખાધું… હવે સૂકા રોટલામાં કાંઈ નહીં જડે તો મીઠું દાબીશું, પણ તમારે આંગણે ભીખ નહીં માગીએ.’
આટલું કહીને સમરથ પીઠ ફેરવી ગઈ… લાડકોરના પ્રત્યાઘાતો જાણવા પણ એ ન રોકાઈ. વિફરેલી વાઘણની જેમ એ ઘેર જઈ પહોંચી.
✽
ઘરમાં દકુભાઈ અને મકનજી મુનીમ કપૂરશેઠની પુત્રીઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા. બાલુ માટે શેઠની મોટી દીકરી અનુકૂળ ગણાય કે નાની દીકરી, એનો નિવેડો સહેલાઈથી નહોતો થઈ શકતો તેથી જરા