કપૂરશેઠે સંભળાવી દીધું:
‘નવેનવ ગ્રહ ભલે કોપતા, પણ દસમા ગ્રહને મારે આંગણે આવતો અટકાવ્યો છે, એની મને નિરાંત છે–’
‘દસમો ગ્રહ?’ ગોર મહારાજ ચોંકી ઊઠ્યા, ‘જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહથી વધારે એક પણ ગ્રહ હોઈ જ કેમ શકે?’
જ્યોતિષશાસ્ત્રમાં ભલે ન હોય, અમારો સંસા૨શાસ્ત્રમાં તમારા નવેય ગ્રહને આંટી જાય એવો આકરો દસમો ગ્રહ હોય છે... એને અમે જમાઈ કહીને ઓળખીએ છીએ–’
‘શાંત પાપં... શાંત પાપં...! આ શું બોલો છો, શેઠ’ ગોર મહારાજ ધ્રૂજી ઊઠ્યા, ‘જામાતા જેવા જામાતાને તમે દસમો ગ્રહ ગણો છો?’
‘હા, ને એ ગ્રહ તો વળી એવો હઠીલો કે બાકીના નવ ગ્રહની શાંતિ થાય, પણ દસમો તો કાયમ અશાંતિ જ ઊભી કર્યા કરે. એ તો સસરાને માથે જિંદગી આખી જડબેસલાક લોઢાને પાયે પનોતી જેવો... ને એ પનોતીય પાછી સાડાસાતી નહીં પણ યાવચ્ચંદ્રદિવાકરૌ જેવી –’ કહીને કપૂરશેઠે ફરી સંતોષ વ્યક્ત કર્યો, ‘એ દસમા ગ્રહની વક્રદૃષ્ટિને મેં પાદરમાંથી જ પાછી વળાવી દીધી એની મને નિરાંત છે. હવે તમારા બાકીના નવેનવ ગ્રહને જે કરવું હોય એ ભલે કરી લિયે–’
ગોરને લાગ્યું કે કપૂરશેઠ પાસે તો હવે પોતાનું કશું ઊપજી શકે એમ નથી, તેથી એણે સંતોકબાનું શરણું લીધું. અનેકાનેક દેવો, રાંદલ મા કોપાયમાન થશે, કુટુંબ ઉ૫૨ અણધાર્યા વિઘ્નો આવી પડશે, એવી એવી ડરામણીઓ દેખાડી...
‘ઘરમાં રાંદલ મા થાપ્યાં છે, અને વરઘોડિયાં પગે લાગી રહે પછી જ થાનકનું ઉથાપન કરી શકાય. હવે વરઘોડિયાં વિના જ એનું ઉથાપન કરીએ તો રાંદલ મા રૂઠ્યાં વિના રહે ખરાં?’