સાંભળીને સંતોકબા થથરી ઊઠ્યાં: ‘રાંદલ મા રૂઠશે!’
એમણે પતિ સમક્ષ ધા નાખી: ‘રાંદલ મા રૂઠશે!’
ગો૨દેવતાની ધમકીઓને જરાસરખીય દાદ ન દેના૨ કપૂ૨શેઠ પત્નીની ફરિયાદ સાંભળીને મૂંઝાઈ ગયા.
‘આ તમે કેવું અવિચારી કામ કરી બેઠા! કપાળમાં કંકુઆળા વરને માંડવેથી વળાવ્યો! પીઠી ચોળેલાને પાદરમાંથી પાછો કાઢ્યો!'
પત્નીની રોકકળ વધી અને પતિની અકળામણ વધી.
‘પણ વરરાજાનાં પરાક્રમ જ એવાં હતાં કે એને પાછા વળાવ્યા વિના બીજો છૂટકો જ નહોતો—’
‘અરે, પણ રાંદલ મા રૂઠશે તો આપણું ધનોતપનોત નીકળી જાશે!’
‘કાલે નીકળતું હોય તો હવે આજે જ નીકળવા દો!' કંટાળીને કપૂરશેઠે સંભળાવી દીધું.
‘હાય રે હાય! આ તમે શું બોલી ગયા?’ પત્નીએ રોકકળ શરૂ કરી, ‘હવે આ માંડવાનો માણેકથંભ કેમ કરીને ઉખેડશું?’
‘ખોદી કાઢીને... બીજી કઈ રીતે વળી?’
‘હાય રે હાય! તો તો આપણું ઘર જ આખું ખેદાનમેદાન થઈ જાય ને! ખોડેલા માંડવા નીચે લગનવિધિ કર્યા વિના તે થાંભલા પાછા કઢાતા હશે ક્યાંય ?’
‘પણ જેની લગનિધિ કરવાની હતી, એ લાડકડો તો એનાં લખણને કારણે હાલ્યો ગયો પાછો!’ કપૂ૨શેઠે ઉગ્ર અવાજે સંભળાવ્યું, ‘હવે તો આપણી પોતાની લગનવિવિધ ફરીથી કરીએ તો છે!’
‘હાય હાય! આવું બોલતાં શરમાતા નથી?’ કહીને સંતોકબા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં.
‘શાંત થાવ! શાંત થાવ! આજના શુભ પ્રસંગે આવા સંતાપ ન શોભે, બા!’ ગોર મહારાજ વચ્ચે પડ્યા: ‘શાસ્ત્રમાં કહ્યું છે: ચિત્તશાંતિ વડે સર્વ શુભકામનાઓ સફળ થાય છે!’