‘પાટમાં પડે તમારાં સાસ્તર! મારે ઘેર વિવાહમાં વિઘન આવી પડ્યું એનું તો કાંઈ કરતા નથી!’
‘શાસ્ત્રમાં કહ્યું છે, સ્વસ્થ ચિત્તે વિચા૨ ક૨વાથી વિઘ્નો પણ દૂર થઈ શકે છે, બા! ગભરાશો નહીં!’
‘તમારે ભામણભાઈને શું? તમારે તો ગમે તેમ કરીને તમારું તરભાણું ભરવાનું —’
‘ગમે તેમ કરીને નહીં, બા, વરકન્યાને પરણાવીને જ તરભાણું ભરી શકાય, અન્યથા નહીં.’
‘ગોર!’ હવે કપૂરશેઠે ક્રોધભર્યો પડકાર કર્યો, તમારું તરભાણું તો ટળ્યું... હવે તમે પોતે ટળશો અહીંથી?’
‘બ્રહ્મપુત્રને જાકારો? યજમાનને શ્રીમુખેથી ગોરદેવતાનું અપમાન?’
‘શાંતં પાપં... શાંત પાપં...’ ગોર બોલ્યા, ‘જાકારો આપશો તોય નહીં જઈ શકે. શાસ્રવચનથી વિરુદ્ધ વર્તન શી રીતે કરી શકું?’
‘માર ઝાડુ તારાં શાસ્ત્રવચનને. અહીંથી અમારાં લોહી પીતો ટળીશ હવે?’
‘કટુવચન ન ઉચ્ચારો, શેઠ! શાસ્ત્રમાં કહ્યું છે, ક્રોધ એ સર્વ આપત્તિઓનું મૂળ છે!’ ઠંડે કલેજે ગોરદેવતા બોલ્યા. ‘આ શુભ હસ્તે મેં રાંદલ માની થાપના કરી છે... હવે આ જ શુભ હસ્તે એની ઉથાપના કર્યા વિના જાઉં તો મારા ઉ૫૨ જ દૈવી વિઘ્ન આવી પડે.’
‘તો ઉથાપના કરીને જા. પણ અહીંથી રસ્તો માપ ઝટ!’ કપૂરશેઠે હુકમ કર્યો.
‘જ્યાં સુધી માતાજી સમક્ષ વરઘોડિયાં વંદન ન કરે, ત્યાં સુધી થાનકની ઉથાપના ન થઈ શકે. શાસ્રવચનથી વિરુદ્ધ વાત...’
‘પણ વરઘોડિયાં કાઢવાં ક્યાંથી હવે?’ કપૂરશેઠે કહ્યું, ‘હવે તો તમે ને તમારાં ગોરાણી વરઘોડિયાં થાવ તો છે!’
‘એટલે બધે દૂર જવાની જરાય જરૂ૨ નથી, શેઠ!’