પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મૂંઝવણમાં લાગતા હતા ત્યાં જ કોપાયમાન ચંડિકા સમી સમરથ બારણામાં આવી ઊભી અને પતિ સામે જોઈને પડકાર કર્યો:

‘તમારામાં પાણી છે કે સાવ નપાણિયા ખીજડિયા જેવું જ છે ?’

દકુભાઈ તો ડઘાઈ જઈને પત્નીના મોં સામે ટગર ટગર જોઈ જ રહ્યો.

‘તમારાં બાવડાંમાં બળ છે કે બધુંય હારી બેઠા છો ?’

પત્નીના આ બીજા પ્રશ્નનો પણ પૂર્વાપર સંબંધ દકુભાઈને સમજાયો નહીં તેથી એણે ખુલાસો માગ્યો:

‘શું છે પણ ? આટલી વારમાં આ શું થઈ ગયું ?’

મકનજી મુનીમ પણ ચોંકી ઊઠીને પૂછવા લાગ્યો:

‘શું થયું, શેઠાણી ? સરખી વાત તો કરો !’

પણ શીઘ્રકોપી સમરથ સીધી વાત કરવા નહોતી માગતી. એણે તો પતિને ચડાવવા ત્રીજો પ્રશ્ન પણ આડકતરો જ પૂછ્યો:

‘શેર બાજરો કમાવાની તમારામાં ત્રેવડ નથી ?’

‘શેર શું મણ બાજરી કમાવાની દકુભાઈમાં ત્રેવડ છે,’ મકનજીએ કહ્યું, ‘પણ આજ તમને થયું છે શું એ વાત તો કરો !’

પત્નીનું કાલિકાસ્વરૂપ જોઈને, મૂળથી જ પોચી છાતીવાળા દકુભાઈની છાતી બેસી ગઈ હતી. આ પુણ્યપ્રકોપ અંગે તેઓ કશી પૂછગાછ કરવા માંડે એ પહેલાં તો સમ૨થે જાણે કે માથે આભ તૂટી પડ્યું હોય એમ ઠૂઠવો મૂકીને મોટે સાદે રડવા જ માંડ્યું.

મકનજી જેવો મહા ઉસ્તાદ મુનીમ પણ આ નાટક જોઈને મૂંઝાઈ ગયો. દકુભાઈએ હિંમત કેળવીને પત્નીને ધીમે ધીમે પૂછગાછ કરવા માંડી.

પણ સમ૨થ તો ઉત્તરોત્તર મોટાં થતાં જતાં ડૂસકાં ભરવા સિવાય બીજું કશું સંભળાવવા જ નહોતી માગતી.

આખરે પતિની વિનવણી અને કાકલૂદીને માન આપીને પત્નીએ

નણંદ અને ભોજાઈ
૪૫