લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ડૂસકાંની એકસૂરી તરજ વચ્ચે અરધાંપરધાં વાક્યોના આંત૨ા પણ ગીતના લયમાં ગાવા માંડ્યા:

‘હું અભાગણી… ઓછાં નસીબની… મારે ક૨મે કટકા લખ્યા…માથે મેણાં ને સૂંબો… છતે ધણીએ ઓશિયાળી… માગવું ને મરવું બેય બરાબર… નાણાંવાળી નણંદનો મિજાસ… ન સાંભળવા જેવાં વેણ સાંભળવાં પડે… પંડ્યના ધણીમાં રતિ નહીં તંયે જ સાંભળવાં પડે ને ?…’

આટલા રુદનમિશ્રિત સંગીતના ધ્વનિ પરથી દકુભાઈ એટલું તો સમજી શક્યા કે નણંદભોજાઈ વચ્ચે કશીક ચકમક ઝરી ગઈ છે. પણ શા કારણથી આમ થવા પામ્યું છે એ તો સમરથ અપદ્યાગદ્યની અઘરી શૈલી છોડીને સીધાસાદા ગદ્યમાં વાત કરતી થાય તો જ ખબર પડે એમ હતી.

સારી વાર પછી સમરથ પદ્ય છોડીને ગદ્ય તરફ વળી અને ડૂસકાં શમી ગયાં ત્યારે એણે લાડકોર સાથે થઈ ગયેલી ટપાટપીનો સવિસ્તર અહેવાલ સારા પ્રમાણમાં મસાલાનો અવેજ ભરીને ૨જૂ કર્યો.

સાંભળીને ખરી રીતે તો દકુભાઈએ જ ઉશ્કેરાવું જોઈતું હતું, પણ આડેથી મકનજી ઉશ્કેરાઈ ઊઠ્યો:

‘અ…ર…ર…૨… લાડકોર શેઠાણીનો આટલો મિજાસ ! આટલો બધો એંકા૨ ! સગાં ભાઈભોજાઈને આવાં આકરાં વેણ સંભળાવી જાય ?’

છતાં દકુભાઈને જરાય પાનો ન ચડ્યો ત્યારે મુનીમે વધારે વિવેચન કર્યું:

‘દકુભાઈ, આમાં તમારું નાક વઢાઈ ગયું, નાક !… તમારી સોના જેવી આબરૂના કાંકરા… તમે સગાં બેનબનેવીનું ગણીને આટલાં વૈતરાં કરો ને બેન તો તમને બે દોકડાના વાણોતરથી બેજ ગણે ! તમે ઘરની દુકાન ગણીને કાયાતોડ કરો ને ઘરધણીને મન તો તમારી કોડીનીય કિંમત નહીં… ગણ ઉપર અવગણ… જશને માથે જૂતિયાં !’

૪૬
વેળા વેળાની છાંયડી