લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘પણ શેઠ માનશે ખરા ?’

‘શું કામે ન માને ? મારી ચંપામાં કંઈ કહેવાપણું છે ? આવી દીકરી તો જેના ઘ૨માં જાય એનો ભવ સુધરી જાય.’

‘પણ સાંભળ્યું છે કે નરોત્તમ સારુ તો મોટી મોટી આસામીનાં ઘરનાં કહેણ આવ્યા કરે છે—’

‘આપણે ભલે નાની આસામી ગણાઈએ. પણ દાણો તો દાબી જુઓ !’ સંતોકબાએ વહેવારની વાત કહી. ને પછી એવી જ વહેવા૨ની એક કહેવત ઉમેરી: ‘ઉક૨ડી દેખે ત્યાં સહુ કચરો નાખવા જાય—’

બરોબર એ જ વખતે બાજુના ઓરડામાં લાડકોર ઓતમચંદને કહી રહી હતી:

‘કપૂરશેઠની ચંપાને તમે જોઈ ?’

‘કેમ ભલા ?’

‘આપણા નરોત્તમભાઈનું ચંપા હારે ગોઠવાય તો જુગતે જોડી જામે એમ છે.’

‘પણ નરોત્તમ તો હજી ના ના કીધા કરે છે એનું શું ? ઓતમચંદે પોતાનો અનુભવ કહી સંભળાવ્યો.

‘હવે આ ચંપાને જોઈને ના નહીં કહે.’

‘તેં કેમ કરીને જાણ્યું ભલા, કે ના નહીં કહે ?’

‘આવી વાતમાં તમને ભાયડાઓને શું ખબર પડે ?’ લાડકોરે ગર્વભેર કહ્યું: ‘બાયડીઓની વાત બાયડીઓ જ જાણે !’

‘એટલે ?’

‘એટલે એમ કે નરોત્તમભાઈ ને ચંપાના જીવ હળીમળી ગયા છે.’

‘ઓહોહો ! આ બે-ત્રણ દિવસમાં તો જીવ પણ હળીમળી ગયા ?’

‘બે-ત્રણ દિવસમાં શું, બેત્રણ ઘડીમાં પણ જીવ તો મળી જાય,’ લાડકોરે એક અનુભવવચન ઉચ્ચાર્યું, અને પછી, ઘણાં વરસે પોતાની મુગ્ધાવસ્થાનો એક પ્રસંગ યાદ કરીને, શરમાતાં શરમાતાં પૂછ્યું:

૫૦
વેળા વેળાની છાંયડી