જ હતા: ‘અમારે ખાતે લખીને પાંચ રૂપિયાનું વધાવું સ્વીકારશો.’ એવા વાણિયાશાઈ વહેવારની વાતો જ એ પત્રોમાં લખી હતી. આ ખાતા-જમાની ૨કમ કોઈ પક્ષે કદી વસૂલ ક૨વાની હોય જ નહીં, એ વાત ઓતમચંદ સારી પેઠે જાણતો હોવાથી આવા પત્રો વાંચતો જતો હતો અને મનમાં મલકાતો જતો હતો.
રાબેતા મુજબ આજની ટપાલમાંથી પણ સંખ્યાબંધ હૂંડીપત્રીઓ નીકળી. મોસમટાણું હોવાથી નાણાંનો હાથબદલો મોટા પ્રમાણમાં થતો ને પરિણામે હૂંડીની હેરફેર પણ ઘણી વધી પડી હતી.
હૂંડીના પત્રો બધા ભેગા કરીને ઓતમચંદે મકનજી મુનીમને દીધા. મકનજીએ એની નોંધ કરીને ખતવણી શરૂ કરી દીધી.
એક તરફ નામુંઠામું ચાલતું હતું. બીજી તરફ વછિયાતી વેપારીઓ બેઠા બેઠા માલની લે-વેચની ચર્ચા કરી રહ્યા હતા. આજે ઓતમચંદની દુકાને વધુમાં વધુ વછિયાતી વેપારીઓનું આગમન થયેલું. વખારના ડેલામાં વધુમાં વધુ સંખ્યામાં ઘોડાં બંધાયાં હતાં. ડેલા બહાર પંદ૨-વીસ જેટલાં ગાડાં છૂટ્યાં હતાં. વખારમાંથી માલની હે૨ફેર ઝડપભેર ચાલી રહી હતી.
આ બધામાં દકુભાઈની ગેરહાજરી જણાઈ આવતી હતી. કેટલાક વેપારીઓએ તો મુનીમને સામેથી પૂછ્યું પણ ખરું કે દકુભાઈ કેમ જણાતા નથી. એ સહુ પૃચ્છકોને ઉસ્તાદ મુનીમે અષ્ટમપષ્ટમ ભણાવી દીધું.
આજે તો ઓતમચંદ પત્રો વાંચી વાંચીને કંટાળી ગયો. જે યુગમાં સંદેશાવ્યવહાર માટે ખેપિયા અને મૌખિક કહેણનો જ બહુધા ઉપયોગ થતો એ યુગમાં માણસ લેખિત સંદેશાઓ વાંચીને કંટાળો અનુભવે એ સ્વાભાવિક હતું.
આજની ટપાલમાં નરોત્તમ માટે પોતાની પુત્રીનું માગું નાખનાર માબાપોના પત્રોની સંખ્યા પણ મોટી હતી ! એ જોઈને ઓતમચંદ