હોય એવી ઓતમચંદને શ્રદ્ધા હતી. તેથી જ એણે મકનજીને આદેશ આપ્યો:
‘શંભુ ગોરને જરા સાદ કરતા આવો ને !’
મકનજી સમજી ગયો. નરોત્તમના વેવિશાળ અંગે છાને ખૂણે વેતરણ ચાલતી હતી એની ગંધ આ મુનીમને આવી જ ગઈ હતી. મૂંગો મૂંગો એ શંભુ ગોરના ઘ૨ ત૨ફ જવા નીકળ્યો.
મકનજીએ શંભુ ગોરને સાદ કરીને પછી દકુભાઈના ઘર તરફ પગલાં વાળ્યાં.
ઘરમાં લમણે હાથ દઈને બેઠેલો દકુભાઈ રિસાણો લાગતો હતો. સમરથનો વૈરાગ્નિ હજી ધૂંધવાતો હતો. બાલુને મહેમાનો સમક્ષ પોતાના કિન્નરકંઠનો પરચો આપવાની તક ન મળી તેથી એ પણ ભગ્નાશ થયેલા કલાકારની જેમ એક તરફ ઉદાસ બેઠો હતો.
આવા સ્ફોટક વાતાવરણમાં મકનજીએ પ્રવેશ કર્યો ને ઉંબરામાં પગ મૂકતાં જ ગર્જના કરી: ‘ગઈ !’
એક જ શબ્દની આ ઉદ્ઘોષણા કોઈને સમજાઈ હોય એમ લાગ્યું નહીં તેથી મકનજીએ એનું પુનરુચ્ચારણ કર્યું:
‘ગઈ ! ગઈ !’
‘કોણ પણ ?’ દકુભાઈએ પૂછ્યું.
‘કપૂરશેઠની છોડી, બીજું કોણ ?’
‘ક્યાં ગઈ ?’
‘નરોત્તમ વેરે,’ મકનજીએ સ્ફોટ કર્યો. ‘કપૂરિયો પણ લાભ જોઈને લપટાઈ ગયો છે.’
‘એ જ લાગનો છે, સમરથે વચ્ચે પોતાનો અભિપ્રાય આપ્યો. અને પછી પોતાની ફરિયાદ પણ રજૂ કરી: ‘નાણાંવાળાના છોકરા ઘૂઘરે ૨મે એ તો દુનિયામાં આદિકાળથી ચાલતું આવ્યું છે… મારા કલૈયાકુંવર જેવા બાલુની સામે કોઈ નજરેય નથી કરતું.’