૭
શંભુ ગોરે જોઈ આપેલા શુભ ચોઘડિયે ચંપા-નરોત્તમના વેવિશાળનો
વિધિ પતી ગયો.
વાસ્તુપૂજનમાં તો દકુભાઈનું કુટુંબ ગેરહાજર રહેલું, પણ વેવિશાળ જેવા મંગલ પ્રસંગે ભાઈભોજાઈને નિમંત્રણ આપવા ખુદ લાડકોર ગયેલી અને એમને રીઝવવા માફામાફી પણ કરી જોયેલી, છતાં જિદ્દી સ્વભાવની સમરથ જરાય પીગળેલી નહીં. સગી બહેનની આગ્રહભરી વિનવણીથી પ્રભાવિત થઈને દકુભાઈ તો એક વખત બનેવીને આંગણે જવા તૈયાર થઈ ગયેલો પણ સાક્ષાત્ કાળકામાતા જેવી સમરથની કરડાકીભરી નજ૨ જોઈને એ પત્નીને તાબે થઈ ગયેલો.
તરણોપાય તરીકે લાડકોરે કહેલું: ‘ન આવો તો તમને મારા સાત ખોટના છોકરા બટુકના સમ છે.’
બોલતાં બોલતાં લાડકોરના હોઠ ધ્રૂજી ઊઠેલા. અવાજ ગળગળો થઈ ગયેલો. હમણાં આંખમાંથી દડદડ કરતાં આંસ ખરી પડશે કે શું, એવું લાગતું હતું. તુરત દકુભાઈ ઉપર આ તરણોપાયની અસર થઈ, અને એ બોલી ઊઠ્યો:
‘હં… હં… બેન, આવા આકરા સમસાગરા ન દેવાય… સાત ખોટના બટુકને ભગવાન સો વરસનો કરે…’
સમ૨થે જોયું કે બાજી હાથથી ગઈ છે. લાડકોરે અખત્યાર કરેલું સોગંદનું શસ્ત્ર રામબાણ જેવું પુરવાર થયું હતું. દકુભાઈ તો ઊભો થઈને માથા પર પાઘડી વીંટવા લાગ્યો હતો અને બોલતો હતો:
‘હાલો, હું આગળ હાલીને તમારે ઘેર આવેલો અવસર ઉકેલી