લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હું સાત ભવેય નહીં છૂટું…’

⁠લાડકોરે પાંપણમાં પ્રયત્નપૂર્વક ખાળી રાખેલાં આંસુ સગા ભાઈની આવી આર્તવાણી સાંભળીને દડદડ કરતાં સરી પડ્યાં. સમ૨થે એમાં પોતાનો વિજય વાંચ્યો.

⁠લાડકોરને રડતી જોઈને દકુભાઈ પણ ગળગળો થઈ ગયો. એણે કહ્યું:

⁠‘બેન, કોચવા મા, હવે બવ કોચવા મા. આપણાં અંજળપાણી ખૂટી ગયાં લાગે છે. બધી લેણદેણની વાત છે. જા બેન, ઘે૨ જા.’

⁠પળે પળે વધતી જતી પતિની આ લાચારી જોઈને સમરથનો વિજયોન્માદ પણ વધતો જતો હતો. આખરે એણે પરાજિત લાડકોર તરફ અસીમ તુચ્છકારથી હાથનો અંગૂઠો બતાવ્યો.

⁠અને તુરત તલવારની ધાર જેવી તેજીલી લાડકોરનો પુણ્યપ્રકોપ પ્રજ્વળી ઊઠ્યો:

⁠‘હં… અ… ને, તું ત્રણ ટકાની તરકડી જેવી ઊઠીને મને અંગૂઠો બતાવવા નીકળી છો ? તારા ઉપર આટઆટલા ગણ કર્યા એનો સામેથી આવો અવગણ ? સગી ભોજાઈનું ઘર ગણીને હું ભાઈબાપા કરતી આવી એનો મને આવો સ૨પા આપે છે ? મારા સાત ખોટના દીકરાના સમ દીધા એનીય તને કાંઈ શરમ ન આવી ?’

⁠શ્વાસભેર આટલું બોલી જઈને લાડકોરે પોતાનો આખરી નિર્ણય સંભળાવી દીધો:

⁠‘તો જાવ, આજથી મારેય તમા૨ા ગોળાનું પાણી ન ખપે. તમા૨ા ઘ૨નો દાણો મારે મન ગાયની માટી સમજજો. મારી જનેતાએ ભાઈને જણ્યો જ નહોતો એમ હું આજથી સમજી લઈશ.’

⁠અને લાડકોર ઝડપભેર પીઠ ફેરવી ગઈ.

⁠પચ્છમબુદ્ધિ દકુભાઈ અચાનક આવેશમાં આવી જઈને પોકારી ઊઠ્યો: ‘બેન ! બેન !’

૬૦
વેળા વેળાની છાંયડી