લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પણ ઓતમચંદે હરિની ઈચ્છાથી થયેલો ઈશ્વરી સંકેત વાંચ્યો હતો. અને આ બંને ઉત્સવોમાં અસહકાર કરીને દકુભાઈએ રંગમાં ભંગ પાડ્યો એમાં પણ એણે ‘જેવી હરિની ઈચ્છા’ જેવું સમાધાન મેળવ્યું હતું.

અને ફરી એક વાર વાઘણિયાની સીમમાં ઘોડાગાડીના ઘૂઘરા ઘમકી ઊઠ્યા.

વેવાઈને વિદાય કરવા માટે ઓતમચંદે વહેલી સવારમાં ગાડી જોડાવી હતી. આ વખતે પણ લાડકોરે મહેમાનોને અમરગઢ સ્ટેશને પહોંચતા કરવાની મીઠી ફ૨જ નરોત્તમ ઉપર જ નાખી હતી. અલબત્ત, આ વખતે નરોત્તમની ‘પરિસ્થિતિ’ તેમજ પદવી પણ પલટાઈ ગઈ હોવાથી નાજુકાઈભરી સ્થિતિમાં એણે પ્રથમ તો વોળાવિયા તરીકે જવાની શ૨માતાં શ૨માતાં ભાભીને મોઢે ના કહેલી. પણ આખાબોલી લાડકોરે સુરત દિયરજીને દબડાવેલા: ‘મનમાં ભાવે છે ને મુંડો હલાવે છે ?’ નરોત્તમ મનમાં જ હસતો હસતો, આ મનગમતી ફ૨જની બજવણી માટે ગાડીમાં ચડી બેઠેલો.

અને સહેલગાહના શોખીન બટુકને તો આવી બાબતમાં કહેવું પડે એમ જ ક્યાં હતું ? એ તો ઘોડાગાડીનું નામ સાંભળીને ઘરમાં સહુથી વહેલેરો ઊઠીને અંધારામાં જ વશરામની બેઠક ઉપર ગોઠવાઈ ગયો હતો.

વહેલી પરોઢના અંધકારમાં જ બંને વેવાઈઓ વચ્ચે ‘આવજો… આવજો’નો ઉપચારવિધિ થઈ ગયો અને વશરામે ૫૨ભાતિયું ઉપાડ્યું ને ગાડી પણ અમરગઢને મારગે ઊપડી.

ગાડીની બહારના તેમજ અંદ૨ના વાતાવરણમાં ખુશનુમા તાજગી હતી, હજી ચાર દિવસ પહેલાં અમરગઢથી વાઘણિયે આવતી વેળાએ જ ગાડીમાં સંકોચ, ક્ષોભ અને વધારે પડતા શિષ્ટાચારનું જે ભારઝલ્લું

૬૨
વેળા વેળાની છાંયડી