પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાક્યનું પુનરુચ્ચારણ કર્યું: ‘કાકીના ખોળામાં.’

ગાડીમાં પહેલી જ વા૨ સહુને મોકળે મને હસવાનું મળતાં વાતાવરણનો ભાર થોડો હળવો થયો.

હવે તો ઓછાબોલાં સંતોકબાને પણ આ સંવાદોમાં રસ પડતાં એમણે પૂછ્યું:

‘કાકી ભેળું મેંગણી આવવું છે, બટુકભાઈ ?’

‘મોટો થાઈશ ને, પછી આવીશ.’ બટુક બોલ્યો.

‘બટુકભાઈ, કહોને કે કાકીને તેડવા આવીશ—’ વશરામે પાઠ પઢાવ્યો.

‘કાકીને તેલવા આવીશ—’

‘ઘોડાગાડી લઈને તેડવા આવીશ—’ વશરામે વધારે વિગતો આપી.

‘ઘોડાગાડી લઈને તેલવા આવીશ—’

‘ભલે, ભલે, જરૂ૨ આવજો હો !’ હવે તો કપૂરશેઠે પણ વિવેક કર્યો.

‘લ્યો, આ ઠેસન આવી પૂગ્યું,’ વશરામે હાકલ કરી.

ગાડી ઊભી રહેતાં, રાબેતા મુજબ અનેક આશરાગતિયાં માણસોનું ટોળું જમા થઈ ગયું. પણ આજે એ લોકોને દાદ આપવાની નરોત્તમને ફુરસદ જ ક્યાં હતી ? આગલે સ્ટેશને ગાડી છૂટી ગઈ હોવાથી સહુ ઝડપભેર પ્લૅટફૉર્મ ૫૨ પહોંચી ગયાં.

કપૂરશેઠ અને સંતોકબા દૂરંદેશીથી કે પછી સાહજિક રીતે જ કોઈક કામને વિશે જરા આઘેરાં નીકળી ગયાં અને નરોત્તમ તથા ચંપા-જસીને થોડી વાર એકલાં પડવા દીધાં. આ તકનો લાભ લઈને નરોત્તમે થોડી ધીમી ગુફ્‌તેગો કરી. જોકે વચ્ચે વચ્ચે ‘કાકા, શું કિયો છો ? મને કિયો, મને કિયો’ની બટુકની બાલિશ ખલેલ તો ચાલુ જ હતી, પણ આ બંને જુવાન હૈયાં અત્યારે બટુકની હાજરી સાવ ભૂલી જ ગયાં હતાં.

થોડી જ વા૨માં ભખ ભખ કરતું એંજિન આવી પહોંચ્યું અને બટુકે

પંછી બન બોલે
૬૫