ચીસ પાડી: ‘ગાડી આવી’ અને બંને જણાંની પ્રણયગોષ્ઠી અધૂરી રહી.
‘આવજો, આવજો !’ના અવાજો વચ્ચે ગાડી ઊપડી અને નરોત્તમ એ ઝડપભેર જતી ટ્રેનની પાછળ તાકી રહ્યો — અનિમિષ આંખે તાકી જ રહ્યો.
અને એ મુગ્ધ નજ૨ સામે, થોડે દૂર ઊભેલો વશરામ મનમાં મલકાતો તાકી રહ્યો.
આમ ને આમ સારી વાર થઈ ગઈ, ટ્રેન દેખાતી પણ બંધ થઈ ગઈ છતાં બે ચકચકતા પાટાની અનંત લંબાઈ તરફ તાકી રહેલા નરોત્તમે પોતાની દૃષ્ટિ પાછી વાળી જ નહીં ત્યારે તો વહેવારડાહ્યો વશરામ વધારે મલકાયો. પણ માદક સ્વપ્નોના ઘેનમાં પડેલા નાનાશેઠે રેલવેના પાટા ઉ૫૨ જે દૃષ્ટિ પરોવી હતી એને પાછી વાળવા કહેવાનું વશરામને ઉચિત ન લાગ્યું. એ કામગીરી તો આખરે બટુક જ બજાવવાનો હતો.
ફરી પાછા ઘોડાગાડીમાં બેસવા માટે અધીરા થઈ ગયેલા આ બાળકે કાકાને એમની સ્વપ્નાવસ્થામાંથી જાગ્રત કર્યા વિના છૂટકો જ નહોતો. એણે નરોત્તમનો હાથ ખેંચીને જોરથી હલબલાવ્યો: ‘કાકા, હાલોની ઝટ, ગાડી તો ગઈ !’
‘હેં ?’ નરોત્તમ સાચે જ ઝબકીને જાગ્યો. પછી બટુકને સંભળાવવા કરતાં વધારે તો પોતાની જાતને જ સંભળાવ્યું:
‘હા, ગાડી તો ગઈ !… ગઈ જ !’
નરોત્તમ ગાડીમાં ગોઠવાયો. એના કાનમાં — અને હૃદયમાં પણ — હજી વશરામે ગાયેલા પરભાતિયાની તૂક ગુંજતી હતી: ‘પંછી બન બોલે…’
✽