૮
સૂરજ આથમવા ટાણે કપૂરશેઠ મેંગણીને સીમાડે પહોચ્યા ત્યારે પાદરમાં એભલ આહીર પણ પોતાનાં ગાયભેંસનું ખાડું ભેગું કરીને ગામમાં પ્રવેશતો હતો.
શેઠને જોતાં જ એભલે આનંદપૂર્વક પૂછ્યું: ‘કાં કપૂરબાપા, ગામતરે જઈ આવ્યા ને ?’
‘હા, હા.’ શેઠે પણ એટલા જ આનંદભેર ઉત્તર આપ્યો: ‘ગામતરે જઈ આવ્યાં ને એક સારા સમાચાર પણ લેતાં આવ્યાં—’
‘શું સારા સમાચાર છે ?’
‘આપણી ચંપાબેનનું સગપણ કરતાં આવ્યાં,’ શેઠને બદલે અધીરા સંતોકબાએ જ એભલને ઉત્તર આપી દીધો.
‘બવ હારું, બવ હારું, મા !’ ભોળા આહીરે હરખ કર્યો. ‘હવે ઝટ ઝટ લગન કરો એટલે અમ જેવાનાં મોઢાં ગળ્યાં થાય—’
‘અટાણે તો અમારે દોઢ શેર દૂધ જોઈશે’ સંતોકબાએ સામેથી કહ્યું, ‘હીરબાઈને કહે કે ઝટ ઢોર દોહી લિયે.’
‘આ અબ ઘડીએ ઢોરાં દોવાઈ ગ્યાં હમજો ની !’ એભલે ઝાંપામાં દાખલ થઈને પોતાના વાડા તરફ વળતાં કહ્યું. કપૂરશેઠે વરસોથી આહીરને ઘેર દૂધનું લગડું બાંધી રાખેલું અને પરિણામે બંને ઘર વચ્ચે સારો નાતો બંધાઈ ગયેલો.
ડેલીએ પહોંચતા જ સંતોકબાએ ચંપાને હુકમ કર્યો:
‘જા, ઝટ હીરબાઈને વાડેથી દુધનો કળશો ભરી આવ્ય. અટાણે તાજેતાજું દોવાતું હશે. દૂધનું ગળું ને છાશનું તળું. ગામ આખું