લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉલેચી જાય પછી એ દૂધમાં સ્વાદ ન રહે.’

ચંપાએ ઝટપટ પાણિયારાની કાંધી પરથી દોઢશેરિયો કળશો ઉતારીને માથે રાખવાળો હાથ ફેરવી લીધો. પછી એ ઝગમગતા વાસણમાં પોતાના ઝગમગતા મુખારવિંદનું પ્રતિબિંબ નિહાળતી નિહાળતી એ એભલ આહીરના વાડા તરફ જવા નીકળી.

એભલ આહીરના વાડાના વિશાળ ફળિયામાં હીરબાઈ ભેંસ દોહી રહ્યાં હતાં. ભગરીનાં આઉમાંથી તાંબડીમાં છમછમ દૂધની શેડ પડતી હતી. પાતળી સોટા જેવી સુડોળ આહીરાણીની ગૌરવરણી ખુલ્લી પીઠ પરનો બરડો, હરિયાળા ખેતર વચ્ચેથી વહેતા ધોરિયાની જેમ શોભી રહ્યો હતો. એ પીઠ પર અત્યારે એભલનો નાનકડો છોકરો બીજલ પલાણ કરતો હતો ને ‘મા, મને ભૂખ લાગી… રોટલો દે, નીકર ભગરીને ભડકાવી મેલીશ,’ એવી ધમકીઓ દઈ દઈને માતાને પ્રેમાળ રીતે પજવી રહ્યો હતો.

હીરબાઈ આ અણસમજુ છોકરાને ફોસલાવી-પટાવી રહી હતી: ‘અબઘડી ચાર શેડ પાડીને તને રોટલો દઈશ. હો ગગા ! ભલો થઈને ભગરીને ભડકાવજે મા, નીકર અબઘડીએ ઓલી ચંપીબેને દૂધ લેવા આવી ઊભશે તો દૂધને સાટે શું દઈશ, મારાં કાળજા ?’

‘કાળજાં નહીં, મારે તો દૂધ જોઈએ, દૂધ !’ વાડામાં પ્રવેશતાં જ ચંપાએ મીઠો ટહુકો કર્યો.

ચંપાને જોઈને બીજલ માની પીઠ પરથી ઊતરી ગયો. ચંપાને આવકાર આપ્યો:

‘આવો, બેનબા, આવો ! આજ તો કાંઈ બવ મલકાતાં મલકાતા આવો છો ને ! હરખ તો જાણે કે હૈયે માતો નથી ! આટલો બધો શેનો હરખ છે, મને વાત તો કર !

‘એભલકાકાએ તમને સંધાય સમાચાર દઈ દીધા લાગે છે !’ ચંપાએ કહ્યું,

૬૮
વેળા વેળાની છાંયડી