‘મને કોઈએ કાંઈ સમાચાર નથી દીધા.’ હીરબાઈએ અજાણ હોવાનો ડોળ કર્યો.
‘તમને સંધીય ખબર પડી ગઈ લાગે છે !’
‘તારા વિના મને કોણ વાવડ આપે ?’ હીરબાઈએ દૂધની તાંબડી લઈને ખાટલા ઉપર બેસી જતાં કહ્યું.
‘હીરીકાકી, હવે મને ઝટ દૂધ ભરી દિયો, નીકર વાળુમાં અસૂરું થાશે.’ હીરબાઈની ગોદમાં લાડપૂર્વક બેસી જતાં ચંપાએ કહ્યું.
‘ભલે અસૂર થાય, મને સરખીથી વાત નહીં કરે ત્યાં લગણ હું દૂધ નહીં આપું.’
હીરબાઈની વત્સલ ગોદમાં ચંપા વહાલસોયી માતાની હૂંફ માણી રહી. આહીરાણી પણ આ યુવતી કેમ જાણે પોતાનું પેટજણ્યું સંતાન હોય એવી મમતાથી ચંપાની પાંગરતી દેહલતા પર પ્રેમાળ હાથ ફેરવી રહી.
સગપણના સમાચાર તો આહીરાણીએ પતિને મોઢેથી સાંભળ્યા જ હતા, છતાં એ અજબ રસપૂર્વક ચંપાને મોઢેથી સવિસ્તર અહેવાલ સાભળી રહી. ચંપાએ પણ મોકળે મને પોતાના મનોભાવ વ્યક્ત કર્યા. દૂધનો કળશો જાણે કે વિસરાઈ ગયો અને બંને સ્ત્રીહૃદયો સ્વાભાવિક રીતે જ સમયનું ભાન ભૂલી ગયાં…
‘મોટીબેન, કેટલી વાર ? વાડામાં જસી આવી ઊભી અને ભાવી જીવનના સપનાં સંભળાવી રહેલી ચંપાને જાગ્રત કરી: ‘બા તો વાટ જોઈને થાકી ગયાં !’
‘આય હાય ! મને હીરીકાકીએ વાત કરવા બેસાડી રાખી ને હું તો ભૂલી જ ગઈ !’ કહીને ચંપા ખાટલા પરથી ઊઠી.
હીરબાઈએ દૂધ ભરી આપીને ચંપાને વિદાય આપી: ‘ઠીક લ્યો જાવ, અટાણે તો અસૂરું થયું, પણ પછે નિરાંતે પેટ ભરીને વાતું કરશું —’