પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચંપાએ ઘરના ઉંબરામાં પગ મેલ્યો કે તુરત સંતોકબાની જીભ ઊપડી:

‘તારે હવે ટાણેકટાણે બવ બહાર જવાનું નહીં, સમજી ? હવે તું નાનકડી નથી, કાલ સવારે સાસરે જઈશ —’

જનેતાની જીભમાંથી પહેલી જ વાર આવાં આકરાં વેણ છૂટ્યાં હતાં. આકરી જબાનથી અપરિચિત ચંપાને આ વેણ તીખાં પણ લાગ્યાં ને મીઠાં પણ લાગ્યાં. તીખાં એટલા માટે કે એ મુગ્ધાને આવા મેણાંટોણા સાંભળવાનો મહાવરો નહોતો. મીઠાં એટલા માટે કે એમાં કાલ સવારે સાસરિયે જવાનો મનગમતો ઉલ્લેખ હતો. ધીમે ધીમે આ ઉપાલંભમાં રહેલી તીખાશ ભુલાઈ ગઈ અને નરી મીઠાશ એના મનને ભરી રહી.

‘કાલ સવારે !’

શબ્દો તો ટૂંક સમયના ભાવર્થમાં વપ૨ાયા હતા, પણ વાઘણિયેથી ચંપા સપનાનો જે સોમ૨સ પી આવી હતી એના કેફમાં એણે આ શબ્દોને વાચ્યાર્થમાં જ ઘટાવ્યા: કાલ સવારે ! બસ, કાલ સવારે જ સાજનને ઘેર જવાનું છે ! વાસ્તવમાં તો, લગ્ન થવાને હજી એકાદ વરસ સહેજે વીતી જાય એમ હતું, પણ પતિમિલનની ઉત્સુકતાની આસવ વડે ચકચૂર થઈ ગયેલી ચંપાને મન તો એ વ૨સદિવસની મુદત એક પ્રલંબ વિરહરાત્રિ જ હતી.

વાળુપાણી પતાવતાં આજે ઠીક ઠીક મોડું થઈ ગયું. અને એ પછી પણ કપૂરશેઠ અને સંતોકબા મોડે સુધી ઓસરીમાં જાગતાં બેઠાં. કપૂરશેઠ પોતાના રોજના નિયમ મુજબ ઓસરીને હીંચકે તકિયો નાખીને હીંચકતા બેઠા હતા. સંતોકબા પોતાના નિયતસ્થાને ઓસરીની થાંભલીને અઢેલીને પગ લાંબા કરીને બેઠાં હતાં. ઘરકામ તો બધું છોકરીઓ ઉપ૨ જ નાખેલું હોવાથી સાંજ પડતાં જ સંતોકબાના સ્થૂળ પગ થાકીને લોથપોથ થઈ જતા તેથી સૂતાં પહેલાં બંને પુત્રી

૭૦
વેળા વેળાની છાંયડી