લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પાસે એકેક પગ સારા પ્રમાણમાં દબાવડાવે તો જ એમને ઊંઘ આવી શકતી. અત્યારે પણ નિયમ મુજબ બંને પુત્રીઓ માતાના એકેક પગની માવજત કરી રહી હતી. ચંપા જમણો પગ દાબે ને જસી ડાબો પગ દાબે એવો એક અણલખ્યો નિયમ જ થઈ ગયો હતો. અને તેથી જ પુત્રવિહોણાં સંતોકબા બંને પુત્રીઓને ડાબી-જમણી આંખ ગણીને સંતોષ અનુભવતાં હતાં.

હીંચકા ૫૨ કપૂરશેઠ સોપારી વાંતરતાં વાંતરતાં ભવિષ્યના લગ્નપ્રસંગની તૈયારીઓની આછી રૂપરેખા આંકતા હતા. સંતોકબા એમાં હા-હોંકારો ભર્યે જતાં હતાં.

‘હવે કાલ સવારે ચંપા તો સાસરે જશે. પછી તમારો જમણો પગ કોણ દાબશે ?’ પતિએ મજાકમાં પૂછ્યું.

સાંભળીને સંતોકબા જરા વિચારમાં પડી ગયાં. તેઓ હજી કશો ઉત્તર આપે એ પહેલાં તો જસીએ વચ્ચે જણાવી દીધું:

‘હું દાબીશ. જમણો ને ડાબો બેય હું દાબીશ.’

સંતોકબાએ નિસાસો મૂકીને કહ્યું:

‘તું પણ પારકી થાપણ, તારા ઓરતા પણ હવે કેટલા દી ?’

‘મારો વિચાર તો વાઘણિયામાં ચંપા ભેગું જસીનું પણ પતાવી જ નાખવાનો હતો.’ કપૂરશેઠ બોલ્યા. દકુભાઈના છોકરા બાલુ સારુ થઈને મકનજી મુનીમ મને બહુ દબાણ કરતો હતો.’

‘કોને સારુ ?’ જસીના કાન ચમક્યા.

‘ઓતમચંદ વેવાઈના સાળા દકુભાઈ હતા ને, એનો છોકરો — બાલુ—'

સાંભળીને જસી મીઠી લજ્જામાં આંખો ઢાળી ગઈ અને પછેડાનો એક છેડો લઈને ચાવવા લાગી.

પતિએ પત્નીને પૂછ્યું: ‘બાલુ કેવોક પાણીદાર લાગ્યો તમને ?’

જસીએ વધુ લજ્જા અનુભવતાં નખ વડે જમીન ખોત૨વા માંડી.

સાચાં સપનાં
૭૧