કોઈ ત૨ફથી હજી બેસવાનો આગ્રહ થાય એ પહેલાં તો જસી ઊભી થઈને ચાલી પણ ગઈ.
ચંપાએ કહ્યું: ‘બા, તમે બાલુની ઠેકડી કરી એ જસીને ન ગમ્યું.’
‘જસીને વળી ગમવા-ન ગમવાનું શું હોય ? એને શું ખબર પડે કે સોનું શું કહેવાય ને કથીર કોને કહેવાય ? હજી એ છોકરીની ઉંમર શું ને વાત શું ?’ કપૂરશેઠે બાલુની સાથે જસીની શક્તિઓ ઉપર પણ વિવેચન કરી નાખ્યું. પછી પત્નીની જાણ માટે ઉમેર્યું:
‘મકનજી મુનીમ તો મને વળગી જ પડ્યો કે બાલુ વેરે જસીનો ગોળ ખાઈને જ જાવ, પણ હું શું મૂરખ છું કે આવી રતન જેવી છોકરીને બાલુ જેવા વરણાગિયા વેરે વરાવી દઉં ?’
‘તમે મુનીમને શું જવાબ આપ્યો ?’ સંતોકબાએ પૂછ્યું.
‘એમ મોઢામોઢ ચોખ્ખી ના કહીએ તો તો એને માઠું લાગે ને !’ મેં કીધું કે, ‘બહુ ઉતાવળ કરવી ઠીક નહીં… મેંગણી જઈને વિચાર કરશે ને પછી તમને કાગળ લખશું… જાય ભેંસ પાણીમાં !’ કહીને શેઠ ખડખડાટ હસી પડ્યા.
ચંપા બોલી: ‘બાપુજી, બહુ સારું કર્યું. બાલુમાં એકેય લક્ષણ સારું નથી.’
‘ને પાછી દકુભાઈની વહુ પણ, કહે છે કે, બહુ કજિયાળી છે.’ સંતોકબાએ ઉમેર્યું. ‘આવી કંકાસણી ને વઢકણી સાસુ જડે તો તો મારી જસીને કાયમની કઠણાઈ થઈ પડે ને !’
‘જસી સારુ પણ બરોબર નરોત્તમ જેવો છોકરો ગોતી કાઢશું.’ કપૂરશેઠે કહ્યું.
‘મારી જસીને હજુ કાંઈ ઉતાવળ નથી,’ સંતોકબા બોલ્યાં અને પછી એમને એકાએક યાદ આવ્યું તેથી સૂચન કર્યું: ‘ચંપાને વરાવી એના સમાચાર એના મામાને લખવા પડશે ને ?’
‘લખાશે હવે. ઉતાવળ શું છે ?’ પતિએ કહ્યું.