પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘પણ મામો તો લખે છે કે હજી બહુ મોડું નથી થયું—’

‘એટલે ? મોડું નથી થયું એટલે શું ?’ સંતોકબાએ ગભરાઈ જઈને પૂછ્યું, ‘હું કાંઈ સમજી નહીં—’

‘મનસુખભાઈનું કહેવું એમ છે કે હજી પણ ચંપાનું સગપણ તોડી નાખો તો શહેરમાં સારામાં સારે ઠેકાણે ફરીથી વરાવી દઉં…’

કપૂરશેઠ થોથવાતી જીભે આ વાક્ય ઉચ્ચારી ગયા. સાંભળીને સંતોકબા પણ અવાક થઈ ગયાં. પણ રસોડામાં ઊભેલી ચંપાએ તો આ વાક્યથી વજ્રાઘાત જ અનુભવ્યો.

ઓસરીમાં ભયંકર મૌન છવાઈ ગયું. કપૂરશેઠના હૃદયની વ્યથા એમના મોઢા ૫૨ અંકિત થઈ ગઈ હતી. અને સંતોકબા તો આવી અવળવાણી સાંભળીને એવાં તો શરમાઈ ગયાં હતાં કે ઊંચે જોઈને પતિ સામે નજર સાંધવાની પણ એમનામાં હિંમત રહી નહોતી. ક્યાંય સુધી નીચી મૂંડીએ તેઓ જમીન ખોતરતાં રહ્યાં.

વેવિશાળ ફોક કરી નાખવાનું આવું ભયંકર સૂચન પ્રશાંત ચિત્તસરમાં વમળો ઊભાં કરે એ સ્વાભાવિક હતું. મનસુખભાઈ પોતે મૂળ તો મેંગણી કરતાંય નાનકડા ગામના વતની હતા, પણ સંજોગબળે તેઓ શહેરમાં જઈ ચડેલા. વેપા૨માં આપબળે આગળ વધીને તેઓ કાઠિયાવાડની કાચી ખેતી-ચીજોની ખરીદી કરનાર એક માલેતુજાર અંગ્રેજ પેઢીના

આડતિયા બનેલા. આ પેઢી વતી તેઓ આખા કાઠિયાવાડમાં કપાસની ખરીદી કરતા અને એ માલ પરદેશ ચડાવતા, આ ખરીદીની આડત તરીકે મળતી બહોળી હકશીને પરિણામે મનસુખલાલ પોતે પણ જમાનાના કાઠિયાવાડમાં ‘માલદાર’ ગણાતા થઈ ગયા હતા. પરદેશી પેઢીના સંપર્કને કારણે એમનો મોભો પણ બેહદ વધી ગયેલો. પરિણામે તેઓ પોતાની જાતને બીજાઓ કરતાં ઊંચી-અતિઘણી ઊંચી – ગણવા લાગ્યા હતા. બીજાઓ પ્રત્યે — વિશેષ કરીને તો ગામડાંઓનાં માણસો પ્રત્યે—એમણે સારા પ્રમાણમાં સૂગ પણ કેળવી હતી. રાજકોટ

૭૮
વેળા વેળાની છાંયડી