જંક્શનના સ્ટેશનની સામેના મકાનમાં મનસુખલાલ વર્ણસંકર જેવી અર્ધવિદેશી ઢબે રહેતા હતા. એમની આ ‘વિલાયતી’ રહેણીકરણી એ જમાનામાં વાતચીતનો વિષય બની ચૂકેલી. સાહેબ લોકોની ઢબે ૨હેના૨ આ વણિક શેઠ દેશી ઢબે રહેનારાં પ્રત્યે તિરસ્કારથી જોતા થઈ ગયેલા. મનસુખલાલની આ મહિમાગ્રંથિ આજે મેંગણીથી આવેલા પત્રમાં શબ્દે શબ્દે વ્યક્ત થતી હતી.
પત્ર વાંચ્યા પછી પતિપત્ની ઊંડા વિચારમાં પડી ગયાં. શું બોલવું એ બેમાંથી કોઈને સૂઝતું નહોતું. અલબત્ત, આમ તો કપૂરશેઠ કોઈ પણ નિર્ણય લેવા માટે મુખત્યાર હતા, પણ મનસુખલાલભાઈનો નવો માનમરતબો અને મોભો જોતાં તેઓ સાળાની શેહમાં આડકતરી રીતે પણ જરા દબાતા હતા. તેથી જ હવે આવા આકરા પત્રનો શો ઉત્તર લખવો એની વિમાસણમાં તેઓ પડી ગયા હતા.
સંતોકબા વ્યગ્ર ચિત્તે બેઠાં હતાં ત્યાં રસોડામાંથી તાવડી પર રોટલો દાઝતો હોવાની વાસ એમના નાકમાં આવી અને તેઓ સફાળાં ઊભાં થયાં. રસોડામાં જઈને જોયું તો ચૂલા ૫૨ રોટલો દાઝતો હતો. અને બારણાની ઓથે ઊભેલી ચંપાની આંખમાંથી દડદડ આંસુ સરતાં હતાં.
થોડા દિવસ થયા ને મેંગણી ગામમાં વાયરે વાત આવી: ‘વાઘણિયાવાળા ઓતમચંદ શેઠની આસામી મોળી પડી છે.’
કપૂરશેઠને કાને સમાચાર આવવા લાગ્યા: ‘ઓતમચંદ શેઠ ભારે હાથભીડમાં આવી ગયા છે.’
‘પેઢીને મોટો ધક્કો લાગી ગયો—’
‘મોટી મોટી હૂંડી પાછી ફરે છે…’
સહુને મીઠી લાગતી આ પારકી વાત બજારમાંથી ઘર ઘરમાં પહોંચી ગઈ. કપૂ૨શેઠના ઘ૨માં પણ છાને ખૂણે આ નાજુક સમાચાર