ચર્ચાઈ ગયા. કહે છે કે દકુભાઈ પોતાના બનેવીથી રિસાઈને પેઢીમાંથી છૂટો થઈ ગયો, વાઘણિયું છોડીને એ તો ઈશ્વરિયે રહેવા ચાલ્યો ગયો છે, મકનજી મુનીમે પણ પેઢીનું મુનીમપદું છોડી દીધું છે, ઓતમચંદ શેઠ ચારે કોરથી ઘેરાઈ ગયા છે ને પાઘડી ફેરવવાના વેતમાં છે…
વાતો સાંભળીને કપૂરશેઠ વ્યગ્ર બન્યા, પણ ચંપાની વ્યગ્રતા સહુથી વધારે હતી. એણે બીતાં બીતાં પણ પિતાને સૂચન કર્યું:
‘બાપુજી, તમે પોતે વાઘણિયે જઈને તપાસ તો કરો, સાચી વાત શું છે ! એ લોકો મુશ્કેલીમાં હોય તો મદદ કરવાની આપણી ફરજ ગણાય ને !’
પુત્રીનું આવું સૂચન પિતાને નાને મોઢે મોટી વાત જેવું તો લાગ્યું, પણ એમાં રહેલું શાણપણ પણ એમને સમજાયું. પોતે વાઘણિયે જઈને જાત-તપાસ કરે અને વેવાઈની આબરૂ બચી શકે તો બચાવવામાં પોતાને જ લાંબે ગાળે લાભ છે એ સત્ય સમજાતાં કપૂરશેઠ સત્વર વાઘણિયા જવા ઊપડ્યા !
❋
ત્યાં પહોંચતાં વાર જ કપૂરશેઠને સમજાયું કે પોતે સાંભળેલા ઊડતા સમાચારોમાં અતિશયોક્તિ નહીં પણ અલ્પોક્તિ જ હતી. પોતે કલ્પી હતી એના કરતાંય વાસ્તવિક સ્થિતિ વધારે વિષમ હતી. પણ કપૂરશેઠને નવાઈ તો એ લાગી કે આટલી આપત્તિ વચ્ચે પણ ઓતમચંદ શેઠ સંપૂર્ણપણે સ્વસ્થ હતા. એમને આ વણસેલી સ્થિતિનો જરાય વસવસો નહોતો.
‘હશે. જે થયું તે થયું, જેવી હરિની ઇચ્છા, પોતાના દરેક કથનને અંતે ઓતમચંદ આ તૂક ઉમેરતો હતો.
‘પણ હવે આનો કોઈ ઉપાય ?’ કપૂરશેઠે પૂછ્યું, ‘કોઈ આ૨ોવા૨ો ?’
‘નહીં ઉપાય કે નહીં આરોવારો,’ ઓતમચંદે કહ્યું, ‘ઘર ફૂટે ઘર જાય એવી આ વાત છે. ઘરનાં જ ઘાતકી થયાં એમાં બીજાનો શું વાંક કાઢું ? જેવી હરિની ઇચ્છા !’