પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પહેલી પસંદગી અનાથ વિધવાઓ અને ધર્માદા સંસ્થાઓને આપી. પણ એમાં વિધિવક્રતા તો એ બની કે ઓતમચંદે જ્યારે મૂડી પાછી સોંપવાની તૈયારી બતાવી ત્યારે કેટલીક વિધવાઓ અને ધર્માદા સંસ્થાઓએ એ લેવાનો ઇનકાર કર્યો. એમને ઓતમચંદ કરતાં વધારે સધ્ધર આસામી શોધવાની મુશ્કેલી હતી. એમને એ ખ્યાલ નહોતો કે આ સધ્ધર આસામી હવે ડૂલ થવાની તૈયારીમાં છે. ઓતમચંદે એમને સાનમાં ઘણું ઘણું સમજાવ્યું કે હવે સમય બહુ બારીક આવતો જાય છે, પોતાની પૂંજી પોતાની જ પાસે રાખવી સારી, મારે પણ હવે માથેથી ભારણ ઓછું કરવું છે પણ લેણદારો એમાંથી કશું સમજવા જ તૈયાર નહોતા. પરિણામે જ્યારે કડાકો થયો ત્યારે જેમનાં નાણાં રહી ગયાં તે રહી જ ગયાં…

રહ્યુંસહ્યું સગેવગે કરવાની સ્નેહીઓની સલાહ અવગણીને ઓતમચંદે જેટલું ચૂકવી શકાય એટલું ચૂકવી આપવા કેડ કસી. પેઢીનો સઘળો વહીવટ એણે લેણદારો સમક્ષ ખુલ્લો મૂકી દીધો. ઘરની સઘળી અસ્કામત એણે હોડમાં મૂકી દીધી. ‘મારી પાસે આટલું છે, એમાંથી લેવાય એટલું લઈ લો.’

નવી બંધાયેલી મેડી આમેય ગામલોકોની આંખે ચડેલી તેથી લેણદારોની નજ૨ પણ આ ઇમારત ઉપર બગડેલી. ઓતમચંદે મેડી વેચવા કાઢી ત્યારે કેટલાંક લોકો દુઃખી થયાં, પણ ઘણાં તો રાજી થયાં.

‘ગરીબનાં ગળાં લૂઈ લૂઈને મેડીના પાયા નંખાયા હતા, એ અણહકનું કેટલાક દી ટકે ?’

‘ભગવાનના ઘરનો બધો હિસાબ અહીં ને અહીં જ થાય છે.’

આફ્રિકા ખેડીને આવેલા એક લુહાણા વેપારીએ ઓતમચંદની મેડી ખરીદી લીધી. જૂનું ઘર તેમજ ગામમાંની દુકાનો પણ વેચી નાખવી પડી, તેથી ઓતમચંદે એક ખેડૂતનું નાનું સ૨ખું મકાન ભાડે રાખીને એમાં વાસ કર્યો.

જીવનરંગ
૮૫