જે દિવસે તેઓ ‘હરિનિવાસ’ ખાલી કરીને ભાડાના મકાનમાં રહેવા ગયાં તે દિવસે સમજુ નરોત્તમ તો કાઠી છાતીએ હિંમત જાળવી શકેલો પણ લાડકોરને બહુ લાગી આવ્યું. કેટકેટલાં અરમાન સાથે એ આ મકાનમાં રહેવા આવેલી ! લાડકોરના સઘળા મનસૂબા મનમાં જ રહ્યા. ઓતમચંદ એને એક જ આશ્વાસન આપી શકે એમ હતા: ‘જેવી હરિની ઈચ્છા !’
લાડકોર તો ગમે તેટલી લાગણીશીલ હોવા છતાં ઊંડી સમજશક્તિ ધરાવતી હોવાથી આ જીવનપલટો જીરવી શકી. પણ નાનકડો બટુક, જે પૂરો સમજુ પણ નહોતો અને સાવ અણસમજુ પણ ન ગણાય, એની સ્થિતિ અત્યંત વિષમ હતી. એ અબુધ બાળક, નાટકના તખ્તાની જેમ પલટાતા આ જીવનરંગ સમજી શકે એમ નહોતો, તેમ સહન પણ કરી શકતો નહોતો. વારે ઘડીએ એ પૃચ્છા કર્યા કરતો: ‘બા, આપણી નવી મેડી શું કામે ખાલી કરી ?’ આ પ્રસંગે માબાપને મર્મસ્થાને ઘા લાગતો.
સાપ કાંચળી ઉતારે એટલી આસાનીથી ઓતમચંદે એક પછી એક પરિગ્રહ તજવા માંડ્યા હતા. સંજોગવશાત્ આ સમજુ માણસે પોતાના ચિત્તમાં સમાધાન યોજી લીધું હતું, તેથી એને પોતાને તો આ જીવનપલટા અંગે બહુ ઝાઝો અફસોસ નહોતો. પણ સુખચેનની
દોમ દોમ સાહ્યબી ભોગવેલ લાડકોરનું અંતર કોરાતું હતું. એ ચતુર ગૃહિણીને જેટલી ચિંતા પોતાના સાત ખોટના પુત્ર બટુકના ભાવી અંગે હતી એથીય અદકેરી ચિંતા, દીકરાથી સવાયા દિય૨ – નરોત્તમ–ના તાત્કાલિક ભાવી અંગે થતી હતી, ‘હવે નરોત્તમનાં લગનનું શું થાશે ? નાણાંનો ને આબરૂનો બેવડો ધક્કો લાગ્યો છે એટલે હવે વેવાઈવાળા વેવિશાળ ફોક તો નહીં કરી નાખે ને ?’ લાડકોર આ શંકા પતિ સમક્ષ વ્યક્ત તો ન કરતી, પણ એ ચિંતા એના હૃદયમાં શલ્યની જેમ ભોંકાયા કરતી. અનેકવિધ આપત્તિઓમાં ગળાબૂડ