લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એક પછી એક મિલકત આ સર્વભક્ષી આગમાં હોમતો જતો હતો.

મેડી વેચી, ગામમાંથી બેત્રણ દુકાનો વેચી, અમરગઢ સ્ટેશન પાસેની ધર્મશાળા પણ વેચવા કાઢી. પણ ઘોડાગાડી વેચવાનો વારો આવ્યો ત્યારે ઓતમચંદ પહેલી જ વાર જરા અચકાયો. એનું કારણ હતું: ઘોડાગાડી સાથે નાનકડા બટુકને લાગણીનો નાતો બંધાઈ ચૂકેલો. ગાડી, ઘોડો તેમજ એનો હાંકનાર વશરામ ત્રણેયની સાથે બટુકને એવી તો આત્મીયતા થઈ ગયેલી કે એ વિનાના બટુકની કલ્પના કરતાં ઓતમચંદ ધ્રૂજી ઊઠ્યા. અનેક મોટી મોટી મુરાદોએ બાંધેલું નવું મકાન વેચી મારતાં જરા પણ થડક ન અનુભવના૨ ઓતમચંદે ઘોડાગાડી કોઈ પારકાના હાથમાં સોંપતાં સો વાર વિચાર ક૨ી જોયો. એક વાર તો એને એમ પણ થઈ આવ્યું કે ઘોડાગાડી વેચવાનું માંડી જ વાળું, અને એ રીતે બટુકને આઘાતમાંથી ઉગારી લઉં. પણ તુરત એને સમજાયું કે બધું જ ફૂંકી માર્યા પછી એક ગાડી રાખી મૂકીશ તો લોકો કહેશે કે ઘ૨ સાજું રાખીને ગામને નવરાવી નાખ્યું છે. વળી, હવે મારા રાંક આંગણે ગાડીઘોડા શોભે પણ ખરાં કે ? નાહક ફતન-દેવાળિયામાં ખપીને ગામલોકોની આંખે ચડું ને ?

મન કાઠું કરીને ઓતમચંદે ઘોડાગાડી વેચવા કાઢી. પણ મુશ્કેલી એ નડી કે મોંઘી કિંમતની ગાડી અને અસલી ઓલાદના ઘોડાને ખરીદના૨ કોઈ ઘરાક ઝટ મળ્યો નહીં. એ જમાનામાં ઘેરે ગાડી બાંધવાનું કાચાપોચા માણસનું ગજું નહોતું. વાહન વસાવવું એટલે ઘેરે હાથી બાંધવા જેટલી જવાબદારી ગણાતી. આખરે, બરાડમાંથી સારા પ્રમાણમાં કમાઈને આવેલા શેખાણી કરીને એક મેમણ શેઠિયાએ આ રૂપકડી ગાડી ખરીદવાની તૈયારી બતાવી.

જે દિવસે ગાડી તથા એના સરસામાનનો કબજો તે દિવસે ઘરમાં ઉદાસી છવાઈ ગઈ. અણસમજુ બટુક પણ એટલું તો સમજી શક્યો હતો કે હવે પછી આ ગાડીમાં વશરામના ખોળામાં

૮૮
વેળા વેળાની છાંયડી