લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બેસીને ઘોડાને ચાલ, ઘોડા, ચાલ !’ કહીને ચાબુક ફટકારવાની તક નહીં મળે. તેથી એણે સવારથી જ ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યું હતું. અણસમજુ પુત્રને રડતો જોઈને દુઃખથી ઘેરાયેલી લાડકોરનું પણ હૈયું હાથ ન રહ્યું. માત્ર ઓતમચંદે સઘળી વેદના દાબી દઈને હસતે મુખે આ અણગમતી ફ૨જ બજાવી.

ગાડી સાથે વશરામ પણ આપમેળે જ ઓતમચંદને આંગણેથી છૂટો થતો હતો. શેખાણીએ વશરામને પોતાના ગાડીવાન તરીકે ગાડી ખરીદતી વખતે જ રોકી લીધો એટલું એ ગરીબ માણસનું સદ્ભાગ્ય ગણાય. વિદાય વખતે વશરામ ગળગળો થઈ ગયો. બટુકને કાખમાં તેડીને ખૂબ ખૂબ વહાલ કર્યો ને આખરે ભારે હૃદયે એ નવા શેઠના નોક૨ તરીકે ફરજ બજાવવા ગયો.

‘એલા એય જોયું ને, આ ઓતમચંદની બાઈ બેસી ગઈ, એ ! સંધુંય ચિતળના પાદરની જેમ સફાચટ !’

ઓતમચંદના પલટાયેલા જીવનરંગ જોઈને ગામલોકોને ફરી વા૨ ચેષ્ટારી સૂઝી.

‘લખમી તો ચંચળ છે. ભલભલાને હાથતાળી આપી જાય.’

‘એટલે તો કીધું છે કે લખમીનો એંકાર ન કરવો. એંકાર તો રાજા રાવણનોય નથી રહ્યો, તો ઓતમચંદ વળી કઈ વાડીનો મૂળો ?’

જેનો ધણી એક દી પોતાને ખરચે ધરમશાળા ને સદાવ્રત ચલાવતો એને પોતાને આજે સદાવ્રતમાં માગવા જાવું પડે એવા બારીક દિવસ આવી ગયા—’

‘અહીંનાં કર્યાં અહીં જ ભોગવવાનાં છે. વેપારમાં રોજ હજાર વા૨ સાચાંખોટાં ને કાળાધોળાં કરવાં પડે. એનો બદલો મળ્યા વિના રહે ?’

‘એ તો દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં, ઉપરવાળા પાસે તો ચોખ્ખો ને ચટ હિસાબ છે.’

વિઘ્નસંતોષીઓ આ રીતે રાજી થતા હતા ત્યારે કોઈ કોઈ

જીવનરંગ
૮૯