પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જમ્યા પછી મકનજીએ હિંડોળા ઉપર કપૂરશેઠની બાજુમાં બેઠક લીધી. ભોજન દરમિયાન એણે ચંપાનાં લગ્નનો અધ્યાય પૂરો કર્યો હતો તેથી હવે સૂડી-સોપારી આપવા આવેલી જસી સામે એ ટગર ટગર જોઈ રહ્યો. થોડી વાર પછી એણે મમરો મૂક્યો:

‘હવે આ નાનકડીને તો કોઈ સારું ઠેકાણું જોઈને વરાવજો—’

‘હવે કમાડની આડશે ઊભીને સરવા કાને વાતો સાંભળવાની વારો જસીનો હતો.’

‘તમારા ધ્યાનમાં કોઈ સારું ઠેકાણું હોય તો બતાવો—’ કપૂરશેઠે કહ્યું.

‘સારાં ઠેકાણાં ગોતવાનું મારા જેવા ગરીબ માણસનું ગજું શું ?’

‘તમે મલક આખામાં ફરો છો એટલે તમારા ધ્યાન બહાર કાંઇ હોય નહીં.’ કપૂરશેઠ વિવેકવાણી વાપરતા હતા.

હવે પછી મકનજીને શ્રીમુખેથી ખરનારા શબ્દો ઝીલવાની જસીની જિજ્ઞાસા વધી ગઈ. અને એક પછી એક શબ્દાવલિ સંભળાવી લાગી :

‘મારા ધ્યાનમાં તો દકભાઈનો દીકરો બાલુ છે… છોકરો ભારે હોશિયાર… કાંઈ કહેવાપણું નહીં. ગોતવા જાઈએ તો ન જડે એવું ઠેકાણું… ના રે ના, એ તો કોઈ હાંડલાફોડે ગપાટા હાંક્યો હશે… છોકરો પાંચે આંગળીએ ચોખો… કાંઈ કહેતાં કાંઈ કહેવાપણું ન નીકળે… હું કહું છું ને. ચાલચલગત સાવ ચોખી… તમને ભરમાવી દીધા લાગે છે શેઠ… હું તો વાત કહું સાચી. જેમ તમારી દીકરી એમ મારી પણ દીકરી જ છે… એનું અહિત થાય એવી વાત જ હું ન કરું… બાલુ જેવો છોકરો તો દીવો ગોતવા જાવ તોય ન જડે… કહેણ માને ન માને એનો એ તો દકુભાઈની મુનસફી ઉપર… એને ઘેર તો સવાર પડે સત્તરસો ઘરનાં માગાં આવે છે… હું તો વાત કહું સાચી… આપણાં નસીબ સવળાં હોય તો વળી કદાચ પાટો બાઝી જાય… કન્યાએ

૯૮
વેળા વેળાની છાંયડી