પૃષ્ઠ:Venina Ful.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


જોઈએ તે હવે નથી મળતો લોકકાવ્ય વિષે તો એટલું જ કહી શકાય કે એના કવિઓ કોઈ અસાધારણ પ્રતિભાનો પુંજ લઈને જ અવતર્યા નહોતા. અથવા તો ભલે એમ કહો કે એ પ્રતિભા જનસામાન્યમાં વેરાએલી જ પડી હોય છે. લોકગીતની રચના વિષેની વિદ્વાનોની માન્યતા એમ કહે છે કે અમુક ઉર્મિને આધીન બનતું આખું લોકવૃંદ એ કાવ્યની શીઘ્ર રચના સંગાથે મળીને કરી કાઢતું. એની પાસે પ્રવાહી મીઠી ભાષા તો સૈયારી દોલત સમી મોજૂદ જ હતી. વનવાસી જીવનને સહજ એવો કુદરત માતાનો સહવાસ હતો. સૃષ્ટિના સૌંદર્યમાં વિચરતી કલ્પના હતી. હર્ષવેદનાના ઝંકાર સામે હોંકારો આપે તેવા ઉર્મિતારવાળી હૃદય–વીણા હતી, કાવ્યની તૃષા પણ કુદરત-પ્રેરિત હતી. પછી એમાં સહજ રીતે કવિતા સરજાતી. સર્વસામાન્ય જનતાના જીવન–ધ્વનિ ઝીલનારી એ કવિતા હતી. તેથી સડસડાટ કંઠપરંપરા પર ચડી જતી. અસાધારણ પ્રતિમાનો દાવો ત્યાં ટકી શકે તેમ નહોતું. સાદું જીવન તે રીતે સાદી સરલ રીતે કાવ્ય વાટે વ્યક્ત થઈ શકતું.

આ પુસ્તિકાના રચનાર પાસે પણ અસાધારણ વા સાધારણ પ્રતિભાનો દાવો નથી. લોકસાહિત્યના નિરંતરના સમાગમે ભાષા આપી, ઉર્મિ આપી, ઉદ્યમ કરવાની પણ ચિત્તવૃત્તિ આપી, એનું આ કેવળ ગયા [૧]*ચાર માસમાં જ નીપજી શકેલું પરિણામ મારા અલ્પ નૈવેદ્ય તરીકે રજુ કરૂં છું.


  1. *'દાદાજીના દેશમાં', સાગરમાં વસનાર, 'વાદળમાં વસનાર' મળી ત્રણ ગીતો આશરે છ વર્ષ પર રચાયેલાં છે.