લખાણ પર જાઓ

પૃષ્ઠ:Venina Ful.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫




ગામડાના વિસામા : ૨ :


નાનાં શાં ગામડાંના નાના વિસામા
વડલો ને બીજો ગોંદરો જી રે.

વડલે ગોવાળીયાની વાંસલડી વાગે,
ગોંદરે ગાયના હીંહોરા જી રે.

વડલે મહીયારી તારી કામળી ફરૂકે,
ગોંદરે ગાય તારાં પૂછડાં જી રે.

વડલે ભતવારીઓની તાંસળી ઝબૂકે,
ગોંદરે ગાય તારાં શીંગડાં જી રે.

વડલે રમે છે બાળ કન્યા કોળાંબડે,
ગોંદરે રમે બાળ વાછડી જી રે.

વડલે ગાજે છે ગામ–નારીના રાસડા,
ગોંદરે ગોકળીની વાંભડી જી રે.

વડલે દીપે છે દેવી માતાની ચુંદડી,
ગોંદરે છોડીયુંના છેડલા જી રે.