પૃષ્ઠ:Venina Ful.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૬

વડલે ઉડે છે દેવી માતાનો વાવટો
ગોંદરે ગોકળીનું છોગલું જી રે.

વડલા હેઠે ધખે છે જોગીની ધૂણીયું
ગોંદરે ગોકળીની તાપણી જી રે.

વડલાની છાંયડીમાં વાવડી હિલોળે
ગોંદરે હિલોળતી તલાવડી જી રે.

વડલે બેસીને લોક લાવે ઉજાણીયું
ગોંદરે નીરતાં કપાસીયા જી રે.

વડલે રંધાય દેવી માતાની લાપસી
ગોંદરે ગાવડીને ઘૂઘરી જી રે.

વડલે વરલાડી ! તારી માવડી વળામણે,
ગોંદરે વળામણે વાછરૂ જી રે.

વડલેથી દીકરીની વેલ્યું ઉઘલતી
ગોંદરેથી ગૌ–ધેન ઘોળતાં જી રે.

વડલે મહીયરીયાનાં મીઠાં સંભારણાં
ગોંદરે તે સાંભરે ગોરસી જી રે.

નાનાં શાં ગામડાંના નાના વિસામા,
વડલો ને બીજો ગોંદરો જી રે.