આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાં રે મને મીઠો છે
મેહૂલાની વ્હાલી વનરાઈ તણો લીલૂડો રંગ,
હાં રે બીજો મીઠો છે
સૂડલાની પાંખે ભરીયેલ છેલ લીલૂડો રંગ.
હાં રે એક મીઠો
ભાભીની કાંચળીનો પાકો સુંવાળો લીલૂડો રંગ,
હાં રે બીજો મીઠો
વીરાની આંટીયાળી એ પાઘડીનો લીલૂડો રંગ.
હાં રે એક મીઠો
મહાસાગરે ભરેલાં પાણી તણોય લીલૂડો રંગ,
હાં રે બીજો મીઠો
કણબીને વાડે ઝૂલંતી શેરડીનો લીલૂડો રંગ.
હાં રે મને મીઠો
પ્રભુજીની પીંછી કેરી રંગેલ સર્વ લીલૂડો રંગ,
હાં રે એક કડવો
કો નાગણીના હૈયાનો ઝેર તણો લીલૂડો રંગ !