આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
અબધૂત આંખડલી નીચોવી
કે આરતી તેલે ભરે રે લોલ.
અબધૂત ચાંખડીયે ચટકંતો
કે વ્રેહમંડ ઘૂમી વળે રે લોલ.
અબધૂત ગેબ કેરા ગોખલામાં
કે કોડિયાં મેલી વળે રે લોલ.
અબધૂત મુખડાની ફુંક મારે
કે દીવડા પ્રગટતા રે લોલ.
અબધૂત રોશનીનો રસિયો રે
કે રામને રાજી કરે રે લોલ.
દીવડે ઝળહળ ઝળહળ જ્યોતું
કે કેદિ ઓલવાયે નહિ રે લોલ.
દીવડે જરીયે ઝાંખપ નાવે
કે વાયરા છો ને વાયે રે લોલ.
વાયરે ડૂબતાં મોટાં વ્હાણ
કે જંગી ઝાડ પડે રે લોલ.