આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
માળીએ ઓરણાંમાં ઓરાવ્યાં
કે હાસ હસમુખાં તણાં રે લોલ.
માળીએ ક્યારીઓમાં સીંચાવ્યાં
કે માનાં ધાવણ મીઠાં રે લોલ.
માળીએ લાખ લાખ ટોયા રોક્યા
કે મોરલા પોપટ મેના રે લોલ.
ઉગીયાં નખતર મોટાં ઝાડ
કે ફુલના ફાલ ફાલ્યા રે લોલ.
ચડી ચડી આભગંગાની વેલ્યું
કે ફુલડે લચી પચી રે લોલ.
ફુલડાં નવરંગી સહુ ભાળે
કે કોઇને ફોરમ નાવે રે લોલ !
આભમાં બાલૂડો એક માળી
કે ફોરમ માણી રહ્યો રે લોલ.
આભમાં આવડી શી ફુલવાડી
કે ફુલડાં કેણે વાવ્યાંરે લોલ !
🙖