પૃષ્ઠ:Veranman.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોતની અંધાર-ગલીમાંથી
૧૦૩
 


ગયા અઠવાડીઆના આ દિવસે તો હું જેલની ફાંસીખોલીમાં બેઠો હતો. સળીઆ અને જાળીવાળી ઊંચી નાની બારી વચ્ચે મઢેલો એક આસમાની આકાશ-ટુકડો હું નિહાળી રહ્યો હતો, અને મારી તથા મોતની વચ્ચે ઊભેલા દિવસોને હું મારાં ટેરવાં પર ગણતો હતો.

સાત દિવસ પૂર્વે તો હું ગાંઠ વાળીને બેઠો હતો કે મને લટકાવી દેશે. મારા પર અદાલતમાં જ્યારે મોતની સજા સંભળાવવામાં આવી ત્યારે જ મારી બધી આશાઓ ભાંગી ગઈ હતી. અપીલ બપીલને મારે મન કશો જ અર્થ નહોતો. મને એમાં કશી ગમ નહોતી પડતી. હું એમાં કશો રસ પણ નહોતો લેતો. મને તો મારા ગળામાં ફાંસીનો ગાળીઓ પડી ચૂક્યો જ લાગતો હતો.

*

મૃત્યુનો પ્રથમ આધાત – ઓહ ! એ દારુણ અને વેધક આઘાત કલેજાની આરપાર થઈ ચાલ્યો ગયો. તે પછી મને મૃત્યુનો ભય નહોતો રહ્યો. પરંતુ ફાંસી દેવાની જે જે ઝીણી વિગતભરી વિધિક્રિયાઓ મેં વાંચી કે સાંભળી હતી, તે પ્રયેકને યાદ કરતો, સ્મરણમાં ઉથલાવતો, વિચારતો હું એ ચાખી રાતના અંધારામાં જાગતો હતો.

ખરે જ મને મોતની બીક નહોતી. મને ધાસ્તી એક જ હતી: મૃત્યુની રાહ જોવામાં જે વેદના રહેલી છે તે વેદના જ કદાચ મારી નસોને તોડી નાખશે, ને છેવટની ઘડીએ કદાચ હું હિંમત હારી નામર્દી બતાવી બેસીશ !

આ હા હા ! આ બધી વાતને શું ત્રણ જ મહિના થયા ? મને તો લાગે છે કે ગયા માગશર મહિનાની એક મીઠી સાંજરે