પૃષ્ઠ:Veranman.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
વેરાનમાં
 

જ્યારે બે સાદા પોશાકવાળા પોલીસો મારે ઘેરથી મને તેડી ગયા, તેને તો આજે એક જુગ થઈ ગયો છે.

*

“આપનું થોડું કામ છે. સાહેબ પાસે જરા આવી જશો ?”

એટલા જ શબ્દોથી પોલીસોએ એ જ્યારે મને પોતાની સાથે લીધો ત્યારે મારી પત્ની ઘરમાં નહોતી, હું એક ચિઠ્ઠી લખીને મૂકતો ગયો કે “હમણાં વાળું ટાણે પાછો આવું છું.”

ખરેખર, વાળું વેળાએ તો પાછા આવી જવાની જ મને ખાતરી હતી. પોલીસ મને એથી વધુ રોકી રાખે એવું કશું જ કારણ મારી કલ્પનામાં નહોતું.

એટલે જ જ્યારે પોલીસ-ઓફિસની અંદર મારી સામે ખૂનનું તોહમતનામું વાંચવામાં આવ્યું, ત્યારે મને સાન જ ન રહી કે આ તો ગંભીર વાત છે કે કેવળ ગમ્મત છે ?

મને તો હસવાનું મન થઈ આવ્યું. કોઈ સ્વપ્નસૃષ્ટિમાં જાણે હું જઈ પડ્યો છું ! પણ પછી તો જેલની એક નાની કોટડીના લોખંડી સળીઆએ મને એ એકલતામાં જાગ્રત કરી દીધો. મને સત્ય વસ્તુસ્થિતિનું ભાન આવ્યું.

આખી રાત મેં પથારીમાં લોચ્યા કર્યું – પણ તે મારે કારણે નહિ; મને તો હું સવારમાં છુટી જ જઈશ એમ પાકી શ્રદ્ધા હતી. મને ફિકર થતી હતી મારી સ્ત્રીની.

*