પૃષ્ઠ:Veranman.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવતો દફનાયલો
૧૧૫
 


ત્રણ વર્ષ પર પણ એ કેદીને આ જ વાત કહેવામાં આવેલી. “ટોમ ! મુની ! તારો છુટકારો નજીક છે. તારે માટે ખૂબ ચકચાર ચાલી રહેલ છે.”

તે વખતે કેદીએ હર્ષના ઉછાળા માર્યા હતા, કેદી નાચ્યો અને કૂદ્યો હતો.

પણ એ ન છૂટ્યો.

ફરી એક વર્ષે એને કહેવામાં આવેલું: “ભાઈ ટોમ ! આ વખતે તો તારી મુક્તિ અફર છે.”

સાંભળીને કેદીએ કૂદકા તો નહોતા માર્યા. સંગીત પણ નહોતું ગાયું. છતાં આટલું તો એનાથી બોલાઈ ગયું હતું કે “બીજું તો કંઈ નહિ, પણ મારી પંચાશી વર્ષની બુઢ્ઢી મા બાપડી બહુ રાજી થશે. કેમકે એક એણે જ મને છોડાવવાની આશા હજુ છોડી નથી.”

એ શબ્દોએ કેદીની આાંખોને ભીની કરી હતી.


×

પણ તે તો એક વર્ષ પહેલાં. હવે તો તેની આાંખોનાં અશ્રુ-ઝરણાં યે સુકાઈ ગયાં છે. : હવે તો એ જીવતી કબરમાં જઈ રહ્યો છે. એને “અલસર’નો–આાંતરડાં પર ચાંદાનો વ્યાધિ લાગુ પડ્યો છે.

રોગ ઘણો આગળ વધી ગયો છે.

બહારનું કામકાજ કરવાની એની તાકાત નથી રહી. જેલના રસોડામાં બેઠાં બેઠાં બટેટાંની છાલ ઊતારવાનું તેમ જ ભોંય ધોવાનું હળવું કામ એને સોંપાયું છે.

જેલની મુલાકાતે આવનારા અતિથિઓ આ જર્જરિત જૈફ, સફેદ વાળવાળા વિલક્ષણ આદમીને એક ખૂણામાં