પૃષ્ઠ:Veranman.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાકારનું વેર
૧૨૭
 


નગરમાં એક પછી એક સુંદરીઓના આત્મઘાત શરૂ થયા. ને પોલીસ–કચેરીમાંથી એ પ્રત્યેક શકમંદ મુર્દાની ચોરી થતી ચાલી. કદાવર જુવાનો અને ભવ્ય વૃદ્ધોની પણ કેટલીક આત્મહત્યાઓએ ને તેમનાં ગુમ થતાં શબોએ નગરને વિસ્મયમાં નાખ્યું. પોલીસની અક્કલ બેહોશ બની ગઈ.

×

એ આત્મધાતો નહોતાં. મીણનાં પૂતળાંનું સંગ્રહાલય નવેસર રચાતું હતું. પોતાની જૂની ભસ્મીભૂત આકૃતિઓની પ્રતિકૃતિઓને કલાકારે જે જે માનવના મોં ઉપર દીઠી, તે તે માનવને એ મરી ગયાં દેખાય તેવાં બેભાન બનાવી, અને શબસ્તાન (મોર્ગ)માંથી ચોરાવી, ફરી સજીવન કરી, પછી ખદખદતા પાણીના કુંડમાં જીવતાં ને જીવતાં ઝબકાળેલાં એ ખોળીઆાં ઉપર ધગધગતા મીણની કારીગરી સજાવી, ફરીવાર કલાકારે સરજ્યાં એ કુમારી જોન, ભયાનક મહાપુરુષ વોલ્તેર વગેરે ઐતિહાસિક પાત્રો: પોતાનાં સમગ્ર વહાલાં આત્મજનો.

અને સૌથી છેલ્લે એણે મીણથી મઢ્યો જીવતા પેલા મુડીદારને. બાકી રહી હતી એક હતભાગિની રાણી એન્તોને. કલાકારનાં નયનો એન્તોનેના કો’ જીવતા અવતારને જગતમાંથી શોધતાં હતાં.

×

“એન્તોને ! ઓ મારી એન્તોને ! તું મને મળી ગઈ ! ગભરા નહિ. હું તને ચિરયૌવન બક્ષીસ. તું કદાપિ નહિ પલટી જાય. તારા રૂપલાવણ્યને જગત સેંકડો વર્ષો સુધી પૂજ્યા કરશે ઓ મારી વહાલી એન્તોને !...”