પૃષ્ઠ:Veranman.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
વેરાનમાં
 


એવાં બોલ સંગ્રહાલયની અંદર ગોઠવાએલાં માનવ–મુર્દાની સૃષ્ટિ વચ્ચે એક દિવસ રાત્રિએ ગુંજી ઉઠ્યા. કલાકારની બાથમાં તે વખતે એક યૌવના હતી. શિલ્પીનું બનાવટી મોં ઊખડી ગયું હતું. એનો ભયાનક ચહેરો તાકી રહ્યો હતો, ને પોતાની અગમ ઉશ્કેરાટભરી વાણીમાં એ યુવતીને સંભળાવતો હતો કે : “મારી આ દશા ! મારાં સંતાનોની આ દશા ! મારાં બાર બાર વર્ષોની પલપલની કારીગીરીની આ દશા ! એ કરનાર કોણ જો ! જો ! જો !...

ને એક મોટી પેટી ઊઘડે છે. તેમાંથી ડોળો ફાડી રહેલ છે પોતાના મુડીદાર ભાગીઆનું જીવતું બેભાન કલેવર.

×

પછી તો એ પ્રેતમુખો શિલ્પીએ આ સુંદરીને કલાના નરમેધકુંડને કાંઠે ઉઠાવી–એક મેજ પર નગ્ન સુવાડી. વિજળીનાં યંત્રો ચાલુ કર્યા. એક ક્ષણમાં તો પાણીનો કુંડ ખદખદતી દેગ બની રહ્યો. મીણનો રસ ઉકળવા લાગ્યો. ને જીવતા માનવદેહને એવું ને એવું અણચિમળાયું રાખવા માટે કલાકારે એક ઇંજેક્શનની પિચકારી ભરી ત્યાં તો —

×

છુપી પોલીસ આવી પહોંચી. કલાકારની છેલ્લી ઘડીઓ પાગલ બની ગઈ. મારફોડ, વેરણછેરણ, આક્રંદો ને વેદનાચીસોની કાળી લાય લાગી. ને ઊંચેથી કોઈ એક માનવી એ ખદખદતા કુંડમાં પટકાઈ બફાવા લાગ્યો.

એ હતો કલાકાર !—પ્રેક્ષકોએ તાળીઓ પાડી.

×