પૃષ્ઠ:Veranman.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખંડેરો બોલે છે
૧૪૧
 

મોણીઆમાં આઈ નાગબાઈનું થાનક છે. ત્યાં નાગબાઈની ખાંભીની મોખરે જ બીજી બે ખાંભીઓ બતાવવામાં આવે છે. ખુદ ચારણોની જ લોકવાણી સમજ પાડે છે કે મોયલી બે ખાંભીઓ એક ઢેઢ અને ઢેઢડીની છે. લોકભાષા એમ ભાખે છે કે આઈ નાગબાઈના ખોળામાં ઢેઢ-ઢેઢડીની ખાંભીઓ છે !”

ખોળામાં ખાંભી: એક રૂઢિચુસ્ત ગણાતી જ્ઞાતિની, દેવીપદે સ્થપાએલી ચારણીના 'ખોળામાં' ઢેઢ-ઢેઢડીની ખાંભી !

શા માટે ?

વાયકા જવાબ વાળે છે: આઈ નાગબાઈ હેમાળો ગળવા ચાલ્યાં હતાં તે વખતે એમની જોડે હેમાળે બીજા કોઈએ નહિં, ફક્ત આ હરિજન-બેલડીએ જ સાથ પૂરાવ્યો હતો. 'આઈ'ના ગાડાની ઊંધ ઉપર એ બે જણ બેઠા હતાં. આજ એ બેઉની ખાંભીઓ આઈના ખોળામાં જ હોય. પહેલાં આ બે ખાંભીઓ પૂજાય. પછી પૂજાય આઈની ખાંભી.

આ લોકપરંપરાનો ધ્વનિ પોતાની મેળે જ બોલે છે.

×

બીજું એમ બોલાય છે કે નાગબાઈને એના પ્રથમના ધણીએ કાઢી મૂક્યાં હતાં. પરનારીના રૂપમાં લોભાઈને આ કદરૂપી ઘરનારીનો છેડો ફાડનાર એ દેવીભક્ત ચારણ ભુંઠો રેઢ પાટખિલોડી નામના ગામનો ગામધણી હતો. કહે છે કે એ રૂપવંતી નવી નારી તે આ ભક્તજનનાં ખુદ ઈષ્ટ દેવી હતાં. દેવીએ સેવકનું પારખું લીધું. નાલાયક ભક્તનો નાશ કર્યો.

કથા કહે છે કે ભક્તરાજ ભુંઠો રેઢ ગામતરે જાય છે.