પૃષ્ઠ:Veranman.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખંડેરો બોલે છે
૧૪૫
 


એ પ્રત્યેક જાતિ-મિલનની પછવાડે તપાસીએ તો ઉચ્ચ કુળમાંથી ચ્યુત થનાર દરેક બંડખોરને રાજત્યાગ કરવો પડેલ છે, તેમજ બીજી સામાજિક સજાઓની બરદાસ્ત કરવી પડી છે. એ પ્રત્યેક લગ્ન ઉપર આત્મભોગની, પીડનની છાપ અંકાયલી છે. ઢોંગ, સ્વાર્થી, હવસ કે એવી કોઈ વિકૃતિને એમાં સ્થાન નહોતું. માટે જ સોરઠના ઇતિહાસમાં પ્રેમશૌર્ય ભરી 'શીવલરી’ ના રંગો પુરનારી એ જાતિઓ હતી. એ લગ્નોએ સમાજમાં વિપ્લવનાં પૂર વહાવ્યાં. રૂઢિની ભીંતો ભાંગી; માટે જ એ લગ્નોના ધ્વનિને હું સોરઠી તવારીખનો મર્મ-ધ્વનિ કહું છું.

+

આવા ધ્વનિઓની શોધે ચઢેલી સ્મૃતિ ભમતી ભમતી સૌરાષ્ટ્રની ઉગમણી સાગરપટ્ટી ઊપર વેળું ખુંદે છે ને સાગરતીર પર દોડી જતી ડુંગરમાળમાંથી જરી અલગ પડી જતા એક શંકુ-આકારના ઊંચા ડુંગર પર ઠરી જાય છે.

ડુંગર ઉપર જૈન દેવાલયોની પતાકા ઉડે છે તેનો મને મોહ નથી. ડુંગરના કલેવરમાં સંખ્યાબંધ ગુફાઓ કંડારીને બૌદ્ધોએ પોતાનો ધર્મવિહાર વસાવ્યો હતો તે વાત પણ સોરઠી તવારીખ ઉપર કોઈ સ્પષ્ટ ભાત પાડનારી મને લાગતી નથી. નરસૈયો ‘ભક્ત હરિના’ની નિશાળને નામે ઓળખાવવામાં આવતો એક ગુફા-ખંડ પણ મારી ભક્તવૃત્તિને જગાવતો નથી. જળે ભર્યા જે ભોંયરામાં થઈને નરસૈયો પોતાના મોસાળગૃહ તળાજામાંથી રોજ રોજ ગોપનાથજીનાં દર્શને અલોપ થતો હતો એ ભેદી કથા પણ મનને હેરતમાં નાખતી નથી.