પૃષ્ઠ:Veranman.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
વેરાનમાં
 

ઇતિહાસલક્ષી મારી નજર તો એ ગુફા–મંડળમાંના પેલા મહાન સંથાગારને શોધે છે, કે જેનું લોકદીધું નામ છે 'એભલ-મંડ૫.'

+

અહીં, આ એભલ-મંડપની અંદર ઊભીએ છીએ ત્યારે સાતેક સૈકાઓનાં ઉપરાઉપરી બીડાયલાં સમય–દ્વાર ખુલ્લાં થાય છે. બેઉ બાજુ બે કુંડોમાં ઘી–દૂધના ઘડા ઠલવાય છે. વચલી એકજ લગ્ન-વેદીમાંથી જવતલના ગોટેગોટ ધુમાડા ગગને ચડે છે. વેદીને કાંઠે ‘બાપ એભલ’ ઊભો છે, ને વેદીને વીંટળાઈ વીંટળાઈ થોકેથોક વરધોડીઆં–વરકન્યાનાં જોડલાં પરણી રહેલ છે. પરિણતી કન્યાઓ એભલ-મંડપમાં માતી નથી. આખો તાલધ્વજગિરિ ચુંદડીઆાળી કન્યાઓની પગ-ઝાંઝરીઓના રૂમઝુમાટ ઝીલે છે. દસે દીશથી માર્ગે માર્ગે ચુંદડીઆળી કન્યાઓની કતારો ચાલી આવે છે. સૂકા, સળગતા, વૃક્ષવિહીન એ પહાડ ઉપર જાણે કે વનશ્રીએ જીવતાં, જંગમ, લીલાંછમ ઝાડવાંની સ્વપ્નસૃષ્ટિ પાથરી દીધી છે.

આજે તો મુક્તિ–દિન છે, પ્રજાની હજારો હજારો કન્યાઓનો. તેરથી માંડી ત્રીશ ત્રીશ વર્ષો સુધીની વયે પહોંચેલી એ દીકરીઓ માબાપનાં ઘરોમાં સંતાઈ કેમ જાણે કોઈ અપકૃત્ય આચર્યું હોય એવું કલંક ભોગવતી જીવતી હતી. વિના વાંકે આ પુત્રીઓ બંદિનીઓ બની હતી. ઈજ્જત જવાના ભયે દિનરાત ફફડતાં માવતરો પોતાની પુત્રીઓ પર પહેરા