પૃષ્ઠ:Veranman.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
વેરાનમાં
 


“રાજા એભલ !” બીજો સંદેશો મળે છે : “વાલ્યમ બ્રાહ્મણો ત્રાગાં કરવાની અણી પર છે. વળા તળાજાના દરવાજા પર લોહી છંટાશે બ્રાહ્મણોનાં.”

"છંટાવા દો.”

રાજા એભલે વાલ્યમ જ્ઞાતિના એ પૂરોહિતનો ડર ત્યજ્યો હતો. એણે ખાટકીવાડેથી ગાયો છોડાવવાનું કામ હાથ ધર્યું હતું.

વાલ્યમ બ્રાહ્મણોનાં એક હજાર ખોરડાં વળા શહેરમાં વસતાં હતાં, વાલ્યમો ત્યાં વસતી કાયસ્થ નામની જ્ઞાતિના ગોરો હતા, કાયસ્થોની દર એક એક કન્યા પરણાવવાના એકસો એકસો રૂપિયા આ ગોરો વસુલ કરતા.

પરિણામે અનેક કન્યાઓનાં માવતર આ બ્રાહ્મણોને કર ન ચૂકવી શકવાને કારણે પોતાની દીકરીઓને ત્રીશ ત્રીશ વર્ષની કરી બેઠા હતા.

તેઓએ વાલ્યમોને કાકલુદીઓ કરી, કે લાગો ઓછો કરો.

વાલ્યમોએ મચક આપી નહીં.

આખી કાયસ્થ કોમ લગ્નો બંધ કરી બેઠી. તોયે વાલ્યમો ન પીગળ્યા ધમકી આપી કે “લગ્નો નહિ કરો તો અમે ત્રાગાં કરીશું, લોહી છાંટશું, ધનોતપનોત કાઢી નાખશું તમારું.”

કાયસ્થો ડરીને રાજા એભલની પાસે ગયા.